________________
ॐ ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
નિદ્ધત્તિ નિકાચનાકરણ સારસંગ્રહ
જેમ દેશોપશમના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે, તેમ જ મૂળ પ્રકૃતિઓની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓની મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે થાય છે. તેમ નિદ્ધત્તિ અને નિકાચના પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશની થાય છે. અને તે પણ જ્ઞાનાવરણીય વગેરે મૂળ આઠકર્મની અને મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓની થાય છે.
તેમજ દેશોપશમના જેમ અપૂર્વકરણગુણસ્થાનક સુધી જ થાય છે તેમ આ બે કારણો પણ આઠમા ગુણસ્થાનક સુધી જ પ્રવર્તે છે. માટે પ્રકૃતિ વગેરે ચારે પ્રકારની મૂળ અને ઉત્તરપ્રવૃતિઓની દેશોપશમનાને જે જે જીવો સ્વામી છે અને જેમ સાદ્યાદિ તથા પ્રકૃતિસ્થાન દેશોપશમના જેટલાં સ્થાનોની જે રીતે થાય છે અને જેઓ તેના સ્વામી છે તેમ આ બન્ને કરણોમાં પણ સર્વ સમાન છે. માત્ર નિદ્ધત્ત થયેલ કર્મમાં ઉદ્વર્તના તથા અપવર્નના એ બે જ કરણી પ્રવર્તે છે, પરંતુ સંક્રમણકરણ પ્રવર્તતું નથી. અને નિકાચિતકર્મમાં કોઈપણ કરણ પ્રવર્તતું નથી, કારણ કે નિકાચિત કર્મ સકલ કરણને અયોગ્ય છે.
જ્યારે ગુણશ્રેણિ થતી હોય છે, ત્યારે પ્રાયઃ દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના અને યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. માટે દલિક આશ્રયી આ ચારેનું અલ્પબદુત્વ બતાવે છે.
ગુણશ્રેણિમાં જેટલાં દલિકો ગોઠવાય છે, તે હવે બતાવવામાં આવશે તેની અપેક્ષાએ અલ્પ હોય છે. ગુણશ્રેણિમાં ગોઠવાયેલ દલિકોની અપેક્ષાએ અસંખ્યાતગુણ દલિકોની દેશોપશમના થાય છે. તેનાથી અસંખ્યાતગુણ દલિકોની નિદ્ધત્તિ થાય છે, તેનાથી અસંખ્યાતગુણ દલિકોની નિકાચના થાય છે અને જેટલાં દલિકોની નિકાચના થાય છે તેનાથી પણ અસંખ્યાતગુણ દલિકો દરેક સમયે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમે છે.
નવમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં ગુણશ્રેણિઓ થાય છે. પરંતુ ત્યાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી તેમ જ દશમા ગુણસ્થાનક પછી કોઈપણ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્ત સંક્રમ પણ થતો નથી. વળી અનંતાનુબંધી તેમજ દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના માટે તેમજ મિથ્યાત્વની સર્વોપશમના માટે ત્રણ કરણો કરે છે. ત્યારે પણ પોતપોતાના અપૂર્વકરણ પછી ગુણશ્રેણિ હોય છે પરંતુ આ પ્રકૃતિઓની દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચના થતી નથી તેથી જ ગુણશ્રેણિ દ્વારા દલિકો ગોઠવે છે. ત્યારે પ્રાયઃ દેશોપશમના વગેરે હોય છે એમ બતાવેલ છે.
હવે આઠે કરણોના અધ્યવસાયોનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે.