________________
૬૫૦
પંચસંગ્રહ-૨
घाइय ठिईओ दलियं घेत्तुं घेत्तुं असंखगुणणाए । साहियदुकरणकालं उदयाइ रएइ गुणसेटिं ॥१४॥ घातितस्थितेः दलिकं गृहीत्वा गृहीत्वा असंख्यगुणनया ।
साधिकद्विकरणकालं उदयात् रचयति गुणश्रेणिम् ॥१४॥
અર્થ–જે સ્થિતિનો ઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને ઉદયથી આરંભી પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય-અસંખ્ય ગુણકારે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં અધિકકાળમાં જે દલરચના થાય છે તે ગુણશ્રેણિ છે.
ટીકાન–જે સ્થિતિનો ઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને તે દલિકોને ઉદયસમયથી આરંભી દરેક સમયમાં–ઉપર ઉપરના દરેક સ્થાનમાં અસંખ્ય-અસંખ્ય ગુણ વધતા=પૂર્વ પૂર્વ સમય કરતાં પછી પછીના સમયમાં અસંખ્યાત-અસંખ્યાત ગુણકારે ગોઠવે છે. જેમ કે–ઉદયસમયમાં થોડું ગોઠવે છે, બીજા સમયમાં અસંખ્યાતગુણ વધારે ગોઠવે છે, ત્રીજે સમયે તેનાથી અસંખ્યાતગુણ વધારે ગોઠવે છે, એમ અસંખ્યાત-અસંખ્યાત ગુણકારે જે દલરચના થાય છે, તે ગુણશ્રેણિ કહેવાય છે. અને તે રીતે દળ રચના અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણના કાળ કરતાં થોડા વધારે સમયોમાં થાય છે.
આ પ્રમાણે જેનો સ્થિતિઘાત થાય છે તેમાંથી પહેલે સમયે જે દલિકો ઉપાડે છે તેની રચનાનો ક્રમ કહ્યો. પહેલા સમય કરતાં બીજે સમયે અસંખ્યગુણ વધારે ઉપાડે છે, અને ઉદય સમયથી આરંભી પૂર્વોક્ત ક્રમે ગોઠવે છે. એમ પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ વધારે ઉપાડે છે અને ઉદય સમયથી આરંભી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. આ પ્રમાણે ગુણશ્રેણિક્રિયાકાળના ચરમસમય પર્વત જેનો સ્થિતિઘાત થાય છે તેમાંથી દલિક ઉપાડે છે અને ઉદયસમયથી આરંભી ગોઠવે છે.
તથા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના સમયો અનુક્રમે અનુભવ કરતાં ક્ષીણ થવાથી ગુણશ્રેણિ દ્વારા થતો દલિક નિક્ષેપ બાકીના અવશિષ્ટ સમયોમાં થાય છે, પણ ઉપર વધતા નથી. એટલે કે ગુણશ્રેણિ ક્રિયાકાળના પ્રથમ સમયે–અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલા સમયો–સ્થાનકોમાં દળ રચના થઈ હતી તેનાથી તે પછીના–બીજે સમયે એક ઓછા સ્થાનમાં દળરચના થાય, ત્રીજે સમયે બે ઓછા સ્થાનમાં દલરચના થાય, ચોથા સમયે ત્રણ ઓછા સ્થાનમાં દલરચના થાય, એમ જેમ જેમ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના સમયો ક્રમશઃ ભોગવાતા ભોગવાતા ઓછા થતા જાય તેમ તેમ ઓછા સ્થાનમાં દલરચના થાય. અપૂર્વકરણના પ્રથમ સમયે જે છેલ્લું સ્થાન હતું તે જ ગુણશ્રેણિ ક્રિયા પૂર્ણ થતાં સુધી છેલ્લા સ્થાન તરીકે રહે તે પણ દલરચના આગળ વધે નહિ. ૧૪
હવે અપૂર્વસ્થિતિબંધનું સ્વરૂપ કહે છે