________________
૧૯૪
પંચસંગ્રહ-૨
ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહાનિનાં સ્થાનો અને એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો ક્રમશઃ અસંખ્યાત ગુણ છે. તેથી અબાધા સ્થાનો અને કંડક સ્થાનોનો સમૂહ અસંખ્યાત ગુણ છે. તેનાથી સ્થિતિસ્થાનો અસંખ્યાત ગુણ છે. કારણ કે એકેન્દ્રિયના ચારેય ભેદોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને બાકીના આઠ જીવભેદોમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. તેથી જઘન્ય સ્થિતિબંધ બે સપ્તમાંશ સાગરોપમ વગેરે પ્રમાણરૂપ હોવાથી અસંખ્યાત ગુણ છે, અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે.
આયુષ્ય કર્મની આબાધાનો આધાર તેના સ્થિતિબંધ ઉપર નથી. પરંતુ જે ભવમાં આયુષ્ય બાંધે છે તે ભવ ઉપર છે. માટે કંડક સ્થાનો અને તેના આધારે થતા અબાધા કંડક સ્થાનો પણ ઘટતા નથી. તેથી આ બે સિવાય આયુષ્ય કર્મમાં આઠ બોલોનું જ અલ્પ બહત્વ હોય છે.
ત્યાં અસંશી પર્યાપ્ત અને સંજ્ઞી પર્યાપ્તમાં જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના સંખ્યાત આવલિકા પ્રમાણ-અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે. તેનાથી અબાધા સ્થાનો અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગના સમય પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે.
તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા પરિપૂર્ણ પૂર્વકોડીનો ત્રીજો ભાગ હોવાથી વિશેષાધિક છે. તેથી દ્વિગુણહાનિનાં સ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાત ગુણ છે. તેનાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેના કરતાં સ્થિતિબંધ સ્થાનો અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડીના ત્રીજા ભાગ સહિત તેત્રીસ સાગરોપમના સમય પ્રમાણ હોવાથી અને અસંજ્ઞી પર્યાપ્તામાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. અને તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોડીના ત્રીજા ભાગે અધિક તેત્રીસ સાગરોપમ હોવાથી વિશેષાધિક છે.
શેષ બાર જીવભેદોમાં પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યનો સ્થિતિબંધ ન હોવાથી દ્વિગુણહાનિ સ્થાનો અને તેના અભાવે એક દ્વિગુણ હાનિના અંતરાલમાં થનાર નિષેક સ્થાનો ઘટતા નથી. માટે બાકીના છ પદાર્થોનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે. જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે. તેનાથી અબાધાસ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક સાત હજાર વર્ષના સમય પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે. તેનાથી પણ ઉત્કૃષ્ટ અબાધા તે જઘન્ય અબાધા સહિત હોવાથી વિશેષાધિક છે. તેનાથી સ્થિતિબંધ સ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક સાત હજાર વર્ષ અધિક પૂર્વકોડી વર્ષ પ્રમાણ હોવાથી સંખ્યાત ગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ-તે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબંધ સહિત હોવાથી વિશેષાધિક છે.
હવે સ્થિતિબંધના અધ્યવસાયોમાં સ્થિતિ સમુદાહાર, પ્રકૃતિ સમુદાહાર અને જીવ સમુદાહાર એ ત્રણ અનુયોગ દ્વારા કહે છે.