________________
૬૧ -- છેલ્લું પાનું
સૂતાં પહેલાં સાત લીટી
જેણે જેણે જીવનમાં સફળતા સાધી, નિરાંતનો શ્વાસ લીધો, ધન્યતાનો અનુભવ કર્યો તેણે તેણે પોતાના જીવનનું કડક નિરીક્ષણ વારંવાર કર્યું છે. અને એમ કરતાં જે જે દોષો જણાયા તે દૂર કરવા ભરચક પ્રયત્ન કર્યા છે. ઉત્તમ પુરુષોના જીવન, તેમની મનોવૃત્તિ અને વલણ સાથે પોતાના વૃત્તિ, વલણ અને વર્તન સરખાવતાં જે જે ઉણપ જણાય તે દૂર કરવા દિલથી કોશીશ કરી હોય છે. એમ કરતાં ક્રમે ક્રમે દોષો, દુષણો અને ઉણપો કાઢતાં જીવન વધુ ને વધુ ઉન્નત અને ઉત્તમ બનાવાય છે. આ બધું ત્યારે જ શક્ય બને જો વારંવાર અને સતત પોતાના જીવાતાં જીવન પર દષ્ટિપાત કરાતો હોય.
એ કરવા માટે રોજિંદા જીવનની યાદી ‘ડાયરી’ રૂપે લખવી પડે. આવી રોજનિશી ત્રણ પ્રકારની હોય ઃ ૧. રોજ રોજની સ્થૂળ દિનચર્યા. ૨. વાંચતાં, સાંભળતાં જે જે શુભ વિચારો હૃદયમાં પ્રવેશતાં હોય તેની નોંધ. ૩. પોતાના જીવન પરનો કડક ચોકી પહેરો; સૂક્ષ્મ નિરીક્ષણની નોંધ.
ત્રણેય પ્રકારમાં આપણે ત્રીજા પ્રકારની, નિરીક્ષણ નોંધની વાત જોઈએ. કોઈ ઘટના બની. તે આપણાં માનસમાં કેવી રીતે પ્રતિબિંબીત થઈ ? મનમાં સુખદ કે દુઃખદ પ્રતિભાવ જાગ્યા ? શું પ્રતિભાવો આવવા જોઈતા હતા ? આવા નિરીક્ષણ અને પરીક્ષણ પછી, એવા દોષો પુનઃ ન સેવાય તે માટેની જાગૃતિ થવી. આવા જાગૃત મનોમંથન કરતાં રહીએ તો દશ વખતના પ્રસંગોમાં ત્રણ વખત તો આપણી જ જીત થવાની ! અને આવા પ્રયત્નોના સાતત્યથી તો ત્રણના સ્થાને ચાર વખત, પાંચ વખત...એમ આપણી જીતના પોઈન્ટ વધતાં રહે. બિનજરૂરી ખરતું જાય. પછી શેષ રહે તેમાંથી મહાનતાનો પિંડ રચાય. આમ ઉત્તમતાના ઉઘાડ માટે, ઉત્તમતા વિકસાવવા માટે નિરીક્ષણ જરૂરી છે.
ભાવનગરના શ્રેષ્ઠિવર્ય શ્રી ત્રિભોવન ભાણજી આવી ‘ડાયરી’ -રોજનિશી રાખતાં. વીતી ગયેલા વખતનું વળતર મેળવતાં. પોતાની નિર્બળતા તેમાં ઠલવતાં અને એ નિર્બળતાને જીતવાનો પૂરો પ્રયત્ન કરતાં. એને સહારે જીવનમાંથી નબળી વૃત્તિઓને નાથતાં. અશોભનીય વર્તણુંકમાં ફેરફાર કરતાં. એમ કરીને પોતાના જીવનને ઉમદાપણામાં લઈ ગયા. મોટો ફાયદો એ અનુભવ્યો કે જે કાંઈ બોલાતું હતું તેમાં બિનજરૂરી ઘણું છે એમ લાગ્યું એની જાણ થતાં વાણીનો દુર્વ્યય અટકી ગયો. વાણીમાં ઓજ અને તેજ પ્રગટ્યાં.
રોજ ને રોજ, સૂતાં પહેલાં સાત લીટીનું આત્મનિરીક્ષણ કરવામાં આવે તો ઉન્નત જીવન હાથવેંતમાં મળી શકે. કરી જોવા જેવું છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org