________________
૫૯ -- છેલ્લું પાનું ...અને જાણો હાથ લંબાયો
વિ.સં.૧૩૪૦નો પ્રસંગ છે. સાબરમતીના તટે આશાવળ (આજનું અમદાવાદ) ગામ. ગામનો રાજા સારંગદેવ. રાજાને ભેટ ધરવા રોજ રોજ એની પ્રજામાંથી કોઈ ને કોઈ આવે. રાજાને વિચાર આવ્યો ઃ ભેટ-સોગાદ ડાબા હાથેથી લેવી. નિયમ કર્યો -ભેટ લેવી પણ દર વખતે ડાબો હાથ જ ધરવો. રાજા આ નિયમ અતૂટ પાળતા !
મંત્રીશ્વર ઝાંઝણે માંડવગઢથી બે લાખ યાત્રીઓ સાથે લઈને ગિરનાર થઈને ગિરિરાજની યાત્રા કરી, સંઘમાળ પહેરી સાથે આવેલા બધા યાત્રીઓને માંડવગઢ સ્વસ્થાને પહોંચાડવા સાથે લીધા હતા.
લાંબા રસ્તે પડાવ કરતાં કરતાં આશાવળ આવ્યું. ત્યાં બધાનો ઉતારો હતો. સાથેના કલાકારોએ માંડવગઢની આબેહૂબ રચના કરી હતી. રાજા સારંગદેવને નિરખવા આમંત્રણ અપાયું. રાજા સાહેબ પધાર્યા. એક તંબૂમાં સિંહાસન પર વિરાજમાન કરાયા. આંગણે પધારેલા રાજાને કાંઈક વિશિષ્ટ ભેટ આપવી જોઈએ એમ ચતુર મંત્રીશ્વરે વિચાર્યું હતું. રાજા સાથે વાર્તાલાપ થયા. પછી મોટા રજતથાળમાં પૂર્વ યોજના પ્રમાણે ઊજળું બારીક મઘમઘતું કપૂર મંગાવ્યું. બે હાથનો ખોબો ભરી રાજાને ભેટ આપવા તૈયારી બતાવી. રાજા પણ વસ્તુનો મર્મજ્ઞ અને સૌંદર્યપ્રેમી હતો. હંમેશના શિરસ્તા મુજબ ડાબો હાથ ધર્યો. ઝાંઝણે ખોબાની વચલી ફાટમાંથી સુગંધ ફેલાવતું બારીક કપૂર ધીરે ધીરે ખેરવવા માંડ્યું. રાજા ઝીલતો ગયો. શુભ્ર કપૂરની ઝીણી ધાર પર બધાની જનર કેન્દ્રીત થઈ. ડાબી હથેળીમાં તો કપૂરની શગ ચડવા લાગી અને એ હથેળી ભરાઈ ગઈ. કપૂર તો હજુ ખરતું રહ્યું અને નીચે ધૂળમાં પડવા લાગ્યું. રાજા આવું ઉજ્જવળ કપૂર જોવામાં તલ્લીન બન્યા હતા. આવું સુગંધી કપૂર ધૂળમાં કેમ પડવા દેવાય ! તરત જ બીજો જમણો હાથ ડાબા હાથની જોડે જોડી દીધો !
ત્યાં ઊભેલા બધા મહેમાનો અને આમંત્રીતોએ હર્ષની તાળીઓ વરસાવી તંબૂ ગજાવી દીધો ત્યારે રાજાને ભાન થયું કે તાળીઓનો ગર્જારવ શાને થયો ! ક્યારે પણ નહીં ધરેલો જમણો હાથ ધરાઈ ગયો !
ઝાંઝણે ધારા અટકાવી દીધી અને મરક મરક હસતા હતા. આવા ચતુર મંત્રીશ્વરની આ વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org