________________
૮૬: આભના ટેકા
વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું?
વિક્રમની અઢારમી સદીમાં, ઉત્તર ગુજરાતના એક ગામમાં બનેલી એક ઘટના છે. જો કે આ ઘટના, કોઈ પણ સાલના, કોઈ પણ દિવસે, કોઈ પણ ગામમાં બની શકે છે.
એ ગામ હતું. સાવ નાનું ગામડું નહીં અને શહેર પણ નહીં એવુંએ ગામ. ગામનું બજાર નાનું પણ રોજ સવારથી સાંજ સુધી ધમધમતું રહેતું. આજુ બાજુના કેટલાંયે ગામડાંનું હટાણું હતું. આસપાસના ગામડાના સેંકડો માણસો પોતાના ગામની નીપજ – ચીજવસ્તુ અહીંની બજારમાં વેચવા લાવે. પોતાને જોઈતી ચીજવસ્તુ લેતા પણ જાય. આનું નામ હટાણું.
ગામમાં એક જ ઊભી બજાર પણ એના અલગ અલગ ભાગ. ઉગમણેથી ગામમાં પેસતાં પહેલાં જ ઘીની દુકાનો આવે. વચ્ચે ત્રણ ગાડાં ચાલી શકે એવો પહોળો રસ્તો. ઘીનું બજાર સોમવારે ભરાય. ગામડેથી ઘીના ગાડવા ભરી અનેક ભરવાડો, રબારીઓ ઘી વેચવા આવે. બજારમાં સામસામી ઘીના વેપારીઓની દુકાન.
શિયાળાના દિવસો હતા. આજે સોમવાર એટલે સવારથી જ ગામડેથી ભરવાડ વગેરે ઘીના દોણાં, બોઘરણા લઈને, વધુ હોય તો ગાડવાથી ગાડું ભરીને આવવા લાગ્યાં. સવારનો કૂણો તડકો રેલાયો ને બજાર ઉભરાયું. ખુલેલી ઘીની દુકાનો પાસે રોજીંદા ઘરાકો આવવા લાગ્યા. વેપારીઓ પણ એવા કુશળ; ઘીની પરખ એવી તો કરી જાણે કે ઘીના ગાવામાંથી ઘીને અડકવું પણ ન પડે! માત્ર નજર પડેને કહી દે કે આ ચોખ્યું છે, આમાં ભેગ છે.
પાસેના ગામડાનાં વશરામ અને રુડી, અને એ જ ગામના ભરવાડવાસના, ખોડો અને રતન; બન્ને ધણી-ધણીયાણી. ગામમાંથી ઘણા ગાડા નીકળ્યા એટલે ઘીના ગાડવા ભરી, પોતપોતાના ગાડા જોડી, સારા શુકન જોઈને પોતે પણ નીકળ્યા. જોતજોતામાં ગામની બજારમાં આવી, વશરામ મીઠાભાઈની દુકાને અને ખોડાભાઈ જીવણભાઈની દુકાને ઊભા રહી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org