________________
પ્રસ્તાવના
સં. ૨૦૧૩માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રકાશિત થયેલ “રાજનગરનાં જિનાલયો” ગ્રંથના પુરોવચનમાં શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોના જિનાલયોની આવી નોંધ તૈયાર કરી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય. તેમની આ ભાવના સાકાર કરવા માટે શરૂઆતમાં માત્ર ગુજરાત રાજયને પસંદ કરવામાં આવ્યું. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતના તમામ જિનાલયોની વિગતવાર માહિતી તૈયાર કરવા તા. ૨૪-૪-૧૯૯૮થી “ગુજરાતનાં જિનાલયોના ઇતિહાસની યોજના” અમલમાં મૂકવામાં આવી. આ યોજનાના ભાગ રૂપે પૂર્વે વિસ્તૃત માહિતી સભર નીચેના ત્રણ ગ્રંથ પેઢી દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જરૂરી ફંડ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું. આ સંદર્ભમાં શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈનો તથા પેઢીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
(૧) ખંભાતના જિનાલયો તા. ૨૧-૧-૨૦૦૦ (૨) પાટણના જિનાલયો તા. ૨૦-૬-૨૦૦૦ (૩) સુરતના જિનાલયો તા. ૧૫-૬-૨૦૦૧ (સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓના જિનાલયો સહિત)
હવે ક્રમ પ્રાપ્ત આ ચતુર્થ ગ્રંથ વડોદરાનાં જિનાલયો (વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લાઓના જિનાલયો સહિત) પ્રકાશન માટે તૈયાર છે.
પ્રાચીન અંકોટકનગરના કુલ ૮૪ ગામોમાં જ આ વટપદ્રક (વડોદરાનું પ્રાચીન નામ) નામનું ગામ સમાવિષ્ટ હતું. સમૃદ્ધ અંકોટકનગર પર વિક્રમની નવમી સદીમાં લાટેશ્વર સુવર્ણવર્મ કર્કરાજનું રાજ્ય શાસન હતું ત્યારે તેણે એક બ્રાહ્મણને આ વટપદ્ર ગામ દાનમાં આપ્યું હતું. પાછળથી તેનો વિકાસ થતો ગયો, અને ગાયકવાડ સરકારના શાસનકાળમાં તો ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ જૈન ધર્મનો ડંકો વાગવા લાગ્યો. આજે વડોદરા મોટું શહેર બની ગયું છે અને આકોટા તેનું જ એક પરું બની રહ્યું છે. વડોદરાનાં જિનાલયો ખંભાત અને પાટણના જિનાલયોની સરખામણીમાં શિલ્પ અને સ્થાપત્યની દષ્ટિ એ કોઈ ખાસ વિશિષ્ટતા ધરાવતા નથી પરંતુ તેમાં કંઈક પ્રાચીન કળાકારીગરી અને અર્વાચીન ઢબની બાંધણીનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. વડોદરા જિલ્લાના નાના-નાના ગામોમાં પણ સુંદર કારીગરીથી યુક્ત જિનાલયો