________________
વડોદરાનાં જિનાલયો
શ્રી આંબડે જીર્ણોદ્ધાર કરાવી ઊભું કરેલું આ મંદિર મોગલ શાસનકાળમાં આક્રમણનો ભોગ બન્યું. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે ધર્મવિરોધી અલાઉદ્દીન ખીલજીના સમયમાં પચાવી પાડવામાં આવ્યું. ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં આ જૈન મંદિર જુમ્મા મસ્જિદમાં ફેરવાઈ ગયું. તેમાં આજે પણ છતમાં આબુ-દેલવાડા જેવી કોતરણી તથા બારસાખ પર તીર્થંકર પરમાત્માની મંગળ મૂર્તિ છે. જો કે તે સમયના જાગૃત શ્રાવકોએ પ્રતિમાજીઓને જિનાલયમાંથી ખસેડી લીધી અને પોતાના મકાનોમાં લાવી પધરાવી નિત્ય પૂજા-અર્ચના કરતાં હતાં. જે પૈકી કેટલાંક મકાનો પાછળથી જિનાલયના રૂપમાં જ ફેરવાઈ ગયાં અને કુલ ૭ જિનાલયો અસ્તિત્વમાં આવ્યાં.
વિ. સં. ૧૯૬૩માં પ્રકાશિત જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભરૂચમાં કુલ ૧૫ જિનાલયો દર્શાવ્યાં છે. વિ. સં. ૨૦૧૦માં પ્રકાશિત જૈન તીર્થ સર્વસંગ્રહમાં કુલ ૧૨ જિનાલયો દર્શાવ્યાં છે. આજે સ્થળ મુલાકાત બાદ કુલ ૧૩ જિનાલયો માલૂમ પડ્યાં છે.
પ્રાચીન અશ્વાવબોધ તીર્થની પ્રતિકૃતિ સમાન ત્રણ માળના ભવ્ય જિનાલયનું વિ. સં. ૨૦૪પમાં નિર્માણ કરવામાં આવ્યું અને તે સમયે કેટલાક પ્રાચીન જિનાલયો પણ તેમાં જ ભેળવી દેવામાં આવ્યાં. આ જિનાલયોનો તીર્થમાં સમાવેશ કરવામાં આવેલ છે તેથી તેનું વર્ણન અહીં લેવામાં આવ્યું નથી. હવે પછી પ્રકાશિત થનાર ભરૂચનાં ચાર તીર્થોમાં સમાવવામાં આવશે.
શ્રીમાળી પોળમાં આવેલું શ્રી આદિનાથનું જિનાલય આજે પણ તેની પ્રાચીન કારીગરીના નમૂના સાથે એમ જ ઊભું છે. આશરે ૧૫૦ વર્ષ પૂર્વે ભરૂચના જૈન શ્રેષ્ઠીવર્ય સર્વશ્રી અનોપચંદ મલુકચંદ શેઠે આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ જિનાલયની સ્થિતિ સારી છે. જો કે રંગરોગાણ કરવામાં આવે તો જિનાલય ઝગમગી ઉઠે તેમ છે.
તેની બાજુમાં શ્રી અનંતનાથ તેમજ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયોની પણ આ જ પરિસ્થિતિ છે.
આ ઉપરાંત વેજલપુરમાં શ્રી આદિનાથ અને કબીરપુરામાં શ્રી અજિતનાથના પ્રાચીન જિનાલયોની જીર્ણોદ્ધાર બાદ હાલ પરિસ્થિતિ ઘણી જ સારી છે.
નર્મદા જેવી વિશાળ નદીના કિનારે પ્રાચીન કાળમાં બંદર રહી ચૂકેલા ભરૂચ દેશપરદેશનો ધીકતો ધંધો ખેડ્યો છે, પરંતુ મુસલમાન રાજાઓના આક્રમણ બાદ ભરૂચમાં વસ્તી પણ આજે મુસલમાનોની વધુ છે. જૈન કુટુંબોની પાંખી હાજરી ભરૂચના જિનાલયોના ભવિષ્યની ચિંતા જન્માવે છે જોકે સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના આગમનની ઘટનાને ભૂતકાળમાં નિહાળનાર તીર્થભૂમિ એવું આ ભરૂચ, વર્તમાનમાં તો જિનાલયોની દેખભાળ અંગે કોઈ વિકટ સમસ્યા નથી ધરાવતું અને તેનું કારણ એ છે કે ત્યાંનો જૈન શ્રાવક વર્ગ હજુ જાગૃત છે.
શ્રી અરિહંત પરમાત્માના ચરણસ્પર્શને અનુભવી ચૂકેલી આ પાવન ભૂમિ એવી ભરૂચનગરીની આ ભવ્ય પરંપરાના સ્મરણથી ઉન્નત બનેલું મસ્તક પ્રભુના ચરણોમાં નમન કરી રહ્યું છે.