________________
ભરૂચની જૈન પરંપરા
“ભાંગ્યું ભાંગ્યું તો યે ભરૂચ” લોકમાં પ્રચલિત બનેલી આ કહેવત ભરૂચની પ્રાચીન કાળની જાહોજલાલીને પરોક્ષ રીતે પણ છતી કરે છે.
“મન્નચ્છદં મળમુત્રય”-પદ શ્રી ગૌતમસ્વામી દ્વારા અષ્ટાપદ પર્વત પર રચાયેલા “જગ ચિંતામણી” સૂત્રમાં ગોઠવાયેલું છે તે પણ ભરૂચ અને તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે.
તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી પોતાના જીવનકાળ દરમિયાન એક જ રાત્રિમાં સૌથી વધુ ૬૦ યોજન (૨૪૦ માઈલ)નો ઉગ્ર વિહાર કરીને પોતાના પૂર્વજન્મના મિત્ર એવા અશ્વના જીવને તેની યોગ્યતા જાણીને પ્રતિબોધ કરાવવા ભરૂચ પધાર્યા. અશ્વને સમ્યક્ત્વની પ્રાપ્તિ બાદ તે અશ્વએ અનશન કર્યું. આ અશ્વનું દેવલોકગમન આ જ ભરૂચ નગરીમાંથી થયું. દેવાવતારમાંથી અશ્વનો જીવ ભરૂચ આવ્યો અને ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય જિનાલય બંધાવ્યું. તેથી તે સમયથી ભરૂચ “અશ્વાવબોધ તીર્થ” તરીકે પ્રસિદ્ધ બનેલ છે.
ભરૂચની આસપાસનાં જંગલમાં તાજી વિયાએલી સમડીને પારધીએ બાણ મારતાં તરફડતી હતી ત્યારે વિહાર કરીને એ રસ્તેથી પસાર થતાં સાધુ ભગવંતોએ શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવીને તેને મરણ સમયે સમાધિ આપી. આ સમડી મરીને શ્રીલંકાના રાજાની કુંવરી થઈ. રાજસભામાં એક દિવસ એક શ્રાવક શ્રેષ્ઠિને છીંક આવતાં “નમો અરિહંતાણં” બોલ્યા. તે સાંભળીને રાજકુંવરીને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વનો સમડીનો ભવ યાદ આવ્યો. તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીના કાળના આ સાધુની કૃપાથી પોતે રાજકુંવરી બની છે એમ જાણી તેમનું ઋણ અદા કરવા શ્રીલંકાથી વહાણો ભરીને ભરૂચ આવી અને પૂ. ગુરુભગવંતની પ્રેરણાથી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ધરાવતાં પ્રાચીન અશ્વાવબોધ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેથી તે સમયથી તે પ્રાસાદ “સમડી વિહાર તીર્થ” તરીકે પ્રસિદ્ધ બનેલ છે.
પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં વિહાર કરતાં કોઈ મોટા આચાર્ય ભગવંતને પ્રાયશ્ચિત્ત લેવું હોય તો તેઓ ભરૂચ પધારી શ્રી મુનિસુવ્રતસ્વામી સમક્ષ અઠ્ઠમ તપ કરતા ત્યારે અધિષ્ઠાયક દેવો હાજર થઈ પોતે શ્રી સીમંધરસ્વામી પાસે જઈ પ્રાયશ્ચિત્ત પૂછીને આચાર્ય ભગવંતને