________________
૧૫૪
વડોદરાનાં જિનાલયો ૪. શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર
શ્રીમાળી પોળ, ભરૂચ. ભરૂચમાં શ્રીમાળી પોળમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના મોટા દેરાસરની પાછળ નાનું, એક માળનું, એક શિખર ધરાવતું આ ઘરદેરાસર આવેલું છે.
પ્રવેશતાં નાનું ફળિયું છે. ડાબી બાજુ પ્રવેશદ્વાર છે. દ્વારની ઉપર બારસાખમાં મંગલમૂર્તિ છે જેમાં “સંવત ૧૯૪૭ મિતિ વૈશાખ સુદ ૧૦” લખેલ છે. દ્વારની બે બાજુ બારી છે.
નાના રંગમંડપમાં એક ગોખલામાં શ્રી મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયક દેવીની આરસની પ્રતિમા છે. ગભારાની બારસાખ ઉપર બે દ્વારપાળની આકૃતિઓ છે. ચાંદીના ગર્ભદ્વાર પર સામાન્ય કોતરણી છે.
ગભારામાં ત્રણ આરસ પ્રતિમાઓ છે. જેમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની શ્યામ આરસની પ્રતિમા ૧૫" ની છે તથા તે લાકડાંની કોતરણીવાળી છત્રીમાં બિરાજમાન છે. છત્રીમાં ઉપર સુંદર પૂતળીઓ તથા નીચે હાથીની સુંદર રચના છે. પ્રતિમાની પાછળ સુંદર ટાઈલ્સ લગાડેલી છે. એકપણ પ્રતિમા પર કોઈપણ પ્રકારનો લેખ નથી.
ઈ. સ. ૧૯૯૦માં દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ દેરાસરની સ્થાપના આશરે ૧૫૦ વર્ષ પહેલાં કરવામાં આવી છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે. તે દિવસે શ્રી અમરચંદ દેવચંદના કુટુંબીજનો દ્વારા પરંપરાગત ધ્વજારોપણ કરવામાં આવે છે. તે દિવસે દેરાસરમાં પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરની પેઢી વતી શ્રી કેસરીચંદ દલીચંદ શાહ, શ્રી સુરેશભાઈ નાનુભાઈ નાણાંવટી, ડૉ. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ હતી. અમરચંદ દેવચંદે લગભગ ૧૯૨૦માં આ દેરાસર બંધાવ્યું હતું. છોટાલાલ ગોરધનદાસ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
આ જિનાલયનો સમય સં. ૧૯૨૦નો છે.
૫. શ્રી પપ્રભસ્વામી જિનાલય (સં. ૨૦૩૮)
શ્રીમાળી પોળ, ભરૂચ. ભરૂચમાં આવેલી શ્રીમાળી પોળના જૈન ધર્મશાળાના પરીસરમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું પહેલે માળે, નાનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે. દેરાસરની સ્થિતિ મધ્યમ છે.