________________
વડોદરા જિલ્લાનાં જિનાલયો
ગામઃ છાણી તાલુકો : વડોદરા
૧. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૬૩ પૂર્વે) વડોદરાથી ૭ કિ. મી. દૂર આવેલ પ્રાચીન છાયાપુરી નામથી પ્રખ્યાત અને હાલના છાણી ગામમાં વાણિયાવાડમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ત્રિશિખરીય ઉત્તરાભિમુખ જિનાલય આવેલું છે.
વિશાળ જગ્યા ધરાવતા જિનાલયમાં ૭-૮ પગથિયાં ચઢીને સુંદર રંગરોગાનવાળા, કોતરણીમય સ્તંભોયુક્ત પ્રવેશચોકીમાં ત્રણ પ્રવેશદ્વાર છે. જિનાલયને અન્ય બે બાજુ પ્રવેશદ્વાર છે. વિશાળ રંગમંડપમાં ઘુમ્મટમાં શ્રી શાંતિનાથ ભગવાનના ભવો તથા વાજિત્ર વગાડતી નારીઓનું ચિત્રણ છે. સ્તંભો ઉપર પણ વાજિંત્ર વગાડતી સુંદર પૂતળીઓ છે. વચ્ચે મોટું ઝુમ્મર છે. આજુબાજુ કાચની હાંડીઓ છે. આરસની ફરસ પણ સુંદર છે.
૩ ગર્ભદ્વાર ધરાવતાં ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની જેસલમેરીયા પીળા રંગની આરસ પ્રતિમા ૧૭" ની છે. ૧૩ પાષાણ પ્રતિમાઓ પ૬ ધાતુ પ્રતિમાઓ તથા ૧ સ્ફટિક પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં એક ગોખલામાં નીલા રંગની નીલમની શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. મૂળનાયક ભગવાનનું પરિકર સુંદર કોતરણીવાળું છે તથા પાછળની દિવાલ પર પણ સુંદર કોતરણી છે.
ડાબી બાજુ દેવકુલિકામાં શ્રી મહાવીરસ્વામીની ૧૫" ની અને જમણી બાજુ દેવકુલિકામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા સહિત ભમતીમાં કુલ ૮ પ્રતિમાઓ છે. બાજુમાં એક ઓરડીમાં ગોખલામાં શ્રી માણિભદ્રવીર, શ્રી પદ્માવતી દેવીની પાષાણ પ્રતિમા તથા ચાર જોડ આરસનાં પગલાં છે. બહાર ભમતીમાં શ્રી શાંતિનાથ ભગવાનના ભવના પટ બનાવવાનું કામ હાલ ચાલું છે. દેરાસરની સ્થિતિ સારી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૬ ને દિવસે પંચાહ્નિકા મહોત્સવપૂર્વક ચઢાવો બોલીને ધ્વજારોપણ અને શ્રીસંઘજમણ થાય છે.
હાલ ૧૬૦ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ગામમાં કુલ ૨ દેરાસર અને ૧ ઘરદેરાસર