________________
ઉપોદ્ઘાત
એક સમયે પાટણ ગુર્જરદેશનું પાટનગર હતું. તેના પ્રતાપી રાજાઓની આણ દૂર સુદૂર સુધી વિસ્તરેલી હતી. જૈન ધર્મ અને વિદ્વાનોની એ માનીતી નગરી હતી. રાજાઓ પણ વિદ્વાનોને સન્માનતા હતા. અહિંસાના ઉચ્ચ આદર્શોને વરેલા હતા. તેમની ગૌરવગાથા ગુજરાતના સીમાડાઓને વટાવીને અન્ય પ્રાંતો સુધી ફેલાયેલી હતી. તેનો પહેલો રાજા વનરાજ ચાવડો જૈનધર્મનો અનુયાયી હતો. તેના પ્રતાપી રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાળ જૈન ધર્મના અનુરાગી હતા. આવા પ્રતાપી રાજાઓથી પોસાયેલી નગરીમાં જૈન ધર્મે પણ પોતાના આચાર અને વિચાર દ્વારા સમગ્ર રાજ્યમાં પોતાનો પ્રભાવ લાવ્યો હતો. જૈન મંત્રીઓએ કુનેહ અને જૈન આચારનો અભૂતપૂર્વ સમન્વય સાધ્યો હતો. અનેક રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિવિધ ક્ષેત્રે પ્રભાવકારી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. આ નગરીમાં અનેક ગ્રંથોની રચના, લેખન અને ગ્રંથોની પ્રતિલિપિઓ થઈ, અનેક જિનમંદિરોનું નિર્માણ થયું. અનેક પ્રભાવશાળી આચાર્યોએ ધરતીને પાવન કરી પોતાના આચાર અને જ્ઞાન દ્વારા ન કેવળ જનમાનસ ઉપર ન ભૂંસાય તેવી છાપ ઉપસાવી પરંતુ રાજાઓને પણ જૈનાચાર પ્રત્યે આકર્ષિત કર્યા હતા. આવા અદ્ભુત નગરનો ઇતિહાસ, ગૌરવવંતો ભૂતકાળ, આશ્ચર્ય ઉપજાવે તેવાં શ્રેષ્ઠ કાર્યોની નોંધો પાનાનાં પાનાં ભરાય તેટલી વિસ્તૃત છે. ત્યારબાદ કાળબળે આ નગરે અનેક ચડતીપડતી જોઈ. અનેક રાજકીય, સામાજિક, આર્થિક અને કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છતાંય આજે આ નગર અનેક ઐતિહાસિક માહિતીનું કેન્દ્ર બન્યું છે. અનેક કલાત્મક જિનાલયો, સમૃદ્ધ જ્ઞાનભંડાર, કાષ્ઠશિલ્પયુક્ત મંદિરો આ નગરની સમૃદ્ધિનાં શિરમોર સમાં સ્થાનો છે. તેનો ઇતિહાસ આલેખવા યોગ્ય જ નહીં પણ વાગોળવા જેવો પણ છે. આવા ઇતિહાસનો ખ્યાલ આપતો તથા જૈનધર્મના ઇતિહાસને વધુ સ્પષ્ટ કરતો અને જિનાલયોની માહિતીને ઐતિહાસિક સ્વરૂપે રજૂ કરવાના પ્રયાસ રૂપે પાટણનાં જિનાલયો ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે તે આનંદની ઘટના છે. જૈનધર્મનો પાટણમાં સમગ્ર ખ્યાલ આવે તેવો પ્રયાસ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. જિનાલયોની માહિતીની સાથે-સાથે ત્યાંની જાહેર સંસ્થાઓ, વિશેષતાઓ, તવારીખ તથા ચૈત્યપરિપાટીઓ આ ગ્રંથની ઉપયોગિતામાં અનેક ગણો વધારો કરે છે.
પ્રથમ પ્રકરણમાં પાટણમાં જૈનધર્મનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. પ્રાક્ મધ્યકાલીનયુગ અર્થાત્ ૧૦ થી ૧૨ સદી સુધીનો સમય જૈન ધર્મનો સુવર્ણકાળ કહી શકાય તેવો યુગ હતો. કુમારપાળ જેવા રાજાએ ન કેવળ અહિંસાનો જ પ્રચાર કર્યો પરંતુ જૈનધર્મ અંગીકાર કરી જૈન આચારની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ જેવા સમર્થ ગુરુવર્યની આજ્ઞા અનુસાર જીવન જીવી સ્વ-પરના કલ્યાણ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ હેમચંદ્રસૂરિએ અનેક વિષયો ઉપર અનેક કાલજયી કૃતિઓનું નિર્માણ કરી જૈન ધર્મના ઇતિહાસને વધુ ગૌરવાન્વિત કર્યો હતો. અનેક ગ્રંથોનું લેખનકાર્ય, અનેક પ્રભાવશાળી કાર્યો, જિનમંદિરો, જ્ઞાનભંડારોનું નિર્માણ આદિનો ઇતિહાસ આ પ્રકરણમાં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org