________________
પાટણનાં જિનાલયો
પાટણના જ્ઞાનભંડારોમાં ઘણી પ્રાચીન હસ્તપ્રતો તથા ગ્રંથો સચવાયેલા છે જે પૈકી શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આશરે ૨૦૦૦૦ હસ્તપ્રતો સુરક્ષિત છે. તે સિવાયના અન્ય બે જ્ઞાનભંડારોમાં પણ ઘણી પ્રાચીન હસ્તપ્રતો સચવાઈ રહ્યાની માહિતી મળે છે.
પાટણનાં જૈન મંદિરો પૂર્વકાળમાં મોટે ભાગે કાષ્ઠનાં જ હોવાનું અનુમાન છે. ઝવેરીવાડામાં આવેલ વાડી પાર્શ્વનાથના મંદિરનો મંડપ તો કાષ્ઠકલાકૃતિનો અદ્ભુત નમૂનો ગણાતો. તે મંદિર સં. ૧૬૫રમાં બંધાયું હોવાનો શિલાલેખ છે. આ મંદિરનો રંગમંડપ કાષ્ઠમય બનાવ્યો હતો. આરસની માફક જ તેમાં તેના કલાકારે પોતાની અભિનવ કલાને કાષ્ઠમાં ઉતારી હતી. આ મંદિરના સુંદર ફોટોગ્રાફ્સ ડૉ. બર્જેસે આર્કિયોલોજીકલ સર્વે ઑફ નોર્ધન ગુજરાત પુસ્તકની પ્લેટ નં. ૪, ૨૦, ૨૧માં રજૂ કરેલા છે. આ અદ્ભુત કલાકૃતિનો વિરલ નમૂનો જીર્ણોદ્ધાર સમયે દૂર કરાયો અને તે મંડપનું શું થયું તે સંબંધી કોઈ હકીકત મળી નથી.
પાટણના પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય આજે તો એક ભવ્ય ગૂર્જર કલાનિકેતનના અનુપમ પ્રાસાદ સ્વરૂપે વિદ્યમાન છે. તેના પ્રાચીન મંદિરનો મધ્ય મંડપ કાષ્ઠનો જ હતો. તે કાષ્ઠનો રંગમંડપ આજે ઢંઢેરવાડામાં મહાવીરસ્વામીના જિનાલયમાં છે. આ મંડપમાં નૃત્યાંગનાઓ, વાદ્યવાદકો, તીર્થકરોની પ્રતિમાઓ, નેમિનાથ ભગવાનનો લગ્નોત્સવ, તેમનું જીવન, નવગ્રહો, અષ્ટ દિપાલો વગેરેનાં અભિનવ સ્વરૂપો દશ્યમાન થાય છે. તદુપરાંત ઘુમ્મટના વિતાનો – પટ્ટાઓ બનાવી તેમાં બારીક કલાકોતરણીથી ઘણું સૂક્ષ્મ કોતરકામ કરવામાં આવેલું છે. આવા કલામય મંડપો અને તેના ઘુમ્મટો કાષ્ઠમાંથી જ બનાવેલાં પાટણનાં કેટલાંક જિનાલયોમાં જોવા મળે છે.
કુંભારિયાપાડામાં ભગવાન આદીશ્વરના જિનાલયમાં તેમજ કપૂરમહેતાના પાડામાં ભગવાન આદીશ્વરના જિનાલયમાં આવી કાષ્ઠકલાના નમૂનાઓ આજે પણ વિદ્યમાન છે.
જૈન મંદિરોમાં સમેતશિખર, ગિરનાર, શત્રુંજય વગેરે પવિત્ર તીર્થોના પટો મૂકવાની પરંપરા અતિ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે. તે નિયમે આજે અનેક જૈન મંદિરોમાં આવા નાના-મોટા, ભવ્ય અને અદ્વિતીય કલાકૃતિઓ સંદશ પટો જોવામાં આવે છે. આવો એક તીર્થપટ કાષ્ઠમાં કોતરેલો પાટણમાં કનાશાના પાડામાં અંદર શીતલનાથના જિનાલયમાં મૂકેલો છે. શિલ્પકલાની દષ્ટિએ કાષ્ઠકલાનો આ એક વિરલ નમૂનો ગણી શકાય. તેમાંનું કોતરકામ, ભાવ અને રચના વિચારતાં તેના શિલ્પીઓએ આ અદ્ભુત કલાને અજબ રીતે હસ્તગત કરી હતી, એમ તો જરૂર લાગે છે.
પાટણના પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં તથા ખડાખોટડીમાં પરમાત્મા શાંતિનાથઆદીશ્વરના સંયુક્ત જિનાલયમાં ભોમતીની રચના છે. આજે ભોંયરાયુક્ત ત્રણ જિનાલયો વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org