________________
૨૦૦
પાટણનાં જિનાલયો
ગર્ભદ્વારે પણ બે ઇન્દ્રોની તથા અષ્ટમંગલની રચના છે. અહીંના ચિત્રોમાં પૂરવામાં આવેલા અન્ય રંગો સોનેરી રંગ થકી વિશેષ શોભે છે. મુખ્ય ગર્ભદ્વારની જમણી બાજુની દીવાલે પાંચ તીર્થકર તથા નવપદજીનો પટ તથા ડાબી બાજુની દીવાલે ચોવીસ તીર્થકર તથા નવપદજીનો પટ ચિત્રિત છે. ગભારાની અંદરની છત સોનેરી, લાલ તથા લીલા રંગથી રંગેલી છે.
ગભારામાં ચાંદીની છત્રીમાં ૧૫” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી નેમિનાથની આછી ગુલાબી ઝાંયવાળા આરસની સુંદર, ભાવવાહી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા સંપ્રતિ મહારાજના સમયની છે. પ્રતિમાલેખ નથી. મૂળનાયકની બાજુમાં જ શીતલનાથની પ્રતિમા પરના લેખમાં સં. ૧૬૪૪ સ્પષ્ટ વાંચી શકાય છે. જમણે ગભારે મુનિસુવ્રતસ્વામી તથા ડાબે ગભારે ચિંતામણિ પાર્શ્વનાથ બિરાજમાન છે. ગભારામાં સામસામે ગોખ છે. તેમાં મહાવીરસ્વામી તથા શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ તેર આરસપ્રતિમા છે જે પૈકી એક નાની, શ્યામ પ્રતિમા પાર્શ્વનાથની છે. ધાતુપ્રતિમા ચોત્રીસ છે. વળી, અહીં ચૌધરી કુટુંબનાં કુળદેવી ચાંદીના પત્રમાં છે. વધુ સારી જાળવણી થાય તે હેતુસર પતરાને લાકડાના ટુકડામાં જડી દીધું છે.
આ જિનાલય તેના પટ-પ્રસંગોનાં ચિત્રોની બહુલતા તથા તેની રંગમળવણીને કારણે જાણીતું બન્યું છે. ગભારામાં અને ગર્ભદ્વાર પરનાં ચિત્રોમાંનો સોનેરી રંગ શોભામાં વૃદ્ધિ કરે છે.
ઉપરના માળે ખાલી હોલ છે. સં. ૧૯૪૫માં મુનિ હેમપ્રભ દ્વારા મૂળનાયક સિવાયની તમામ પ્રતિમાઓની પુન:પ્રતિષ્ઠા થયેલ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર સં. ૧૯૫૯માં પ૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે.
ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ફોફલિયાવાડામાં નેમિનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ચૌદ આરસપ્રતિમા અને ચોત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ચૌધરીની શેરીમાં નેમિનાથના જિનાલયને ધાબાબંધી હોવાનું દર્શાવ્યું છે. તે સમયે પણ જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા અને ચોત્રીસ ધાતુપ્રતિમાં હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયની સ્થાપનાનો સમય સં. ૧૮૭૫ દર્શાવવામાં આવ્યો છે. વહીવટ શેઠ મણિલાલ રતનચંદ હસ્તક હતો.
જિનાલયનો વહીવટ ચૌધરીની શેરીમાં રહેતા શ્રી અશોકભાઈ ગીરધરલાલ ઝવેરી તથા મુંબઈનિવાસી નવીનભાઈ ચીમનલાલ મણિયાર હસ્તક હતો.
જૈન તીર્થ સર્વસંગ્રહમાં દર્શાવ્યા મુજબ આ જિનાલય સં. ૧૮૭૫ના સમયનું હોવાનું માની શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org