________________
૨૮
રાજનગરનાં જિનાલયો નહીં. જૈનધર્મની આ પવિત્ર ઇમારતનો, તેની ભવ્યતા સાંખી ન શકવાને કારણે ઇસ્લામ ધર્મની ઇમારતમાં ફેરવવા માટે ઔરંગઝેબે કંઈ બાકી ન રાખ્યું. આ દેરાસરને ઇસ્લામ ધર્મની મસ્જિદમાં ફેરવવા માટે તેણે (ઔરંગઝેબે) જૈન તીર્થકરોની મૂર્તિઓનાં નાક તોડી નાંખવાનો હુકમ કર્યો. તેણે તીર્થકરોની મૂર્તિઓને નુકસાન પહોંચાડવા માંડ્યું. અને આ રીતે ઉત્તમ શિલ્પનાં પ્રતીકરૂપ આ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી. વળી, આ દેરાસરને મસ્જિદમાં ફેરવી નાંખવા માટે એમાં નવી મહેરાબો પણ બનાવવામાં આવી. આ મસ્જિદને તેણે કુબત-અલ-ઇસ્લામ (Quwat-ul-Islam) અર્થાત્ “ઇસ્લામની તાકાત” એવું નામ પણ આપ્યું હતું. આ ઉપરાંત, મંદિરની મનોહર કારીગરીની પણ સારા પ્રમાણમાં ભાંગફોડ કરવામાં આવી હતી. આ બનાવ ઈ. સ. ૧૯૪૫ (સં. ૧૭૦૧)માં બન્યો.
આ મહાન આપત્તિ વેળાએ દેરાસરને થતું નુકસાન તો શ્રી શાંતિદાસ શેઠ અટકાવી ન શક્યા, પરંતુ દેરાસરની મુખ્ય પાંચ પ્રતિમાઓને ઝવેરીવાડામાં લાવવામાં આવી. આ પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ ૧૦૦-૧૦૦ મણ વજનની હતી. એટલે દેરાસરના પ્રાણરૂપ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અને અન્ય ચાર પ્રતિમાઓને ઝવેરીવાડામાં લાવીને મુગલ રાજકુમારને એ વાતની ગંધ સરખી આવવા ન પામે એ રીતે છુપાવીને રાખવામાં આવી. એમાંની એક પ્રતિમા નિશાપોળમાં-જગવલ્લભપાર્શ્વનાથના દેરાસરમાં ભોંયરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ જ મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી શાંતિદાસ શેઠના વંશજોએ આ બનાવ પછી લગભગ એકસો વર્ષ બાદ ઝવેરીવાડામાં જ દેરાસર બંધાવીને ફરીવાર કરી. આ દેરાસરો આજે પણ અમદાવાદમાં મોજૂદ છે.
શાંતિદાસ ઝવેરીના જીવનનું આ સોનેરી સ્વપ્ર હતું. આ સોનેરી સ્વપ્નને ઔરંગઝેબ જેવા કટ્ટર મુસ્લિમ રાજાએ ઝનૂનથી અને ક્રૂરતાથી ધૂળમાં રગદોળી નાંખ્યું. આ દુર્ઘટનાએ શાંતિદાસ ઝવેરીના હૃદયને કેવી પીડા આપી હશે તે તો માત્ર ઈશ્વર જ જાણે ! શાંતિદાસ ઝવેરીએ ઝેરના આ પ્યાલાને પીધો અને પચાવ્યો પણ ખરો. અને ધીમે ધીમે એ વિષના પ્યાલાને અમૃતમાં પલટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. જે ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનમંદિરને તોડ્યું, તે જ ઔરંગઝેબ સમય જતાં શાંતિ સ્થાપવા પોતાના અગ્રદૂત તરીકે શેઠ શાંતિદાસ ઝવેરીને નવાજે છે !
કહેવાય છે કે ફિનિક્સ નામનું પંખી મૃત્યુ પામે તો તેની રાખમાંથી ફરીવાર નવો જન્મ લે છે. ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનાલયને તોડ્યું, તો તેના વારસદારોએ ઝવેરીવાડમાં જ સો વર્ષ પછી પણ બીજાં અનેક દેરાસરો બંધાવ્યાં. એક સમય એવો હતો કે, માત્ર ઝવેરીવાડમાં જ ૨૭ દેરાસરો જૈનશાસનની ધજાઓ ફરકાવતાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org