________________
સુરતનાં જિનાલયો પર્વત સાથે કાષ્ઠકામયુક્ત જંબુદ્વીપને ફરતે નંદીશ્વર દ્વીપની મનોહર અને ભવ્ય રચના કરવામાં આવે છે જે પંદરેક દિવસ સુધી રાખવામાં આવે છે. અનેક જૈનો તેના દર્શનાર્થે આવે છે. કાષ્ઠની આ રચના નમૂનેદાર અને અલૌકિક છે. તેના પરનું રંગકામ આકર્ષક છે.
ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના મકાનમાં ત્રીજે માળ શ્રી આદેશ્વરનું કાષ્ઠનું ઘરદેરાસર સં. ૧૮૨૨ના સમયનું છે. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા.નું આ જન્મસ્થળ છે. આશરે ૨૫૦ વર્ષ પ્રાચીન આ ઘરદેરાસરની ચલપ્રતિષ્ઠા પૂ. પ૦ શ્રી ઉત્તમવિજયગણિ મહારાજે કરાવેલ છે.
સુરતના વિશા ઓસવાલ જ્ઞાતિના શ્રેષ્ઠીવર્ય શ્રી ભાઈદાસ નેમિદાસે સં. ૧૮૨૭માં ગોપીપુરા મધ્યે મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા તથા ભોંયરામાં ૮૯ના મહાપ્રભાવક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથને મૂળનાયક તરીકે શ્રી જિનલાભસૂરિની નિશ્રામાં અતિ ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને એક પૂર્ણ ચૈત્યની સ્થાપના કરાવી. આ જિનાલયનું વર્ણન શ્રી જિનલાભસૂરિ રચિત શીતલ જિન ચૈત્ય વર્ણનમાં ખૂબ જ વિગતવાર આવે છે. ઐતિહાસિક દષ્ટિએ આ સ્તવન ખૂબ જ ઉપયોગી છે.
શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર તરીકે પ્રચલિત શ્રી મહાવીરસ્વામીનું, ત્રણ મૂળનાયકોવાળું, ભોંયરાયુક્ત જિનાલય આવેલું છે. અહીં ૪૫ આગમો તામ્રપત્ર પર ઉપસાવવામાં આવ્યાં છે. તેથી આ જિનાલય આગમમંદિર તરીકે ઓળખાય છે. ભોંયરામાં એક ઓરડો છે જેમાં ફરતાં ચક્ર સાથેનું આગમપુરુષનું ચિત્ર દોરેલું છે અને ૪૫ આગમોના નામ સુવર્ણાક્ષરે લખેલા છે. અહીં આગમરત્ન મંજૂષાની પેટીમાં ૪૫ આગમોની મૂળ હસ્તપ્રતો મૂકવામાં આવેલ છે.
સુરતનાં જિનાલયોની આ ભવ્ય પરંપરાની કીર્તિગાથા આપણે જોઈ. કાળનો પ્રભાવ અસર કરી રહ્યો છે. તેમ છતાં સુરતમાં જિનાલયોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ રહી છે. પાટણ, ખંભાત, રાજનગર અને સુરત – જૈન શાસનનાં ચાર મુખ્ય કેન્દ્રો પૈકી ખંભાત અને પાટણ ધંધા રોજગાર અને આર્થિક ક્ષેત્રે તેમની જાહોજલાલી ગુમાવી ચૂકયા છે. રાજનગર આર્થિક ક્ષેત્રે ટકી રહ્યું છે પરંતુ શહેરના કોટ વિસ્તારનાં પ્રાચીન જિનાલયોની દેખભાળની સમસ્યા વિકટ બની છે.
જ્યારે સુરતનાં પ્રાચીન જિનાલયોની દેખભાળ જળવાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં દેખભાળ જળવાઈ રહે તે માટે જાગૃતિ અને પ્રયત્નો સુરતના જૈન સંઘોએ અગાઉથી દાખવવા જરૂરી છે.
સુરતની આ ભવ્ય જૈન પરંપરાના સ્મરણથી ઉન્નત થયેલું મસ્તક અરિહંત ભગવાનનાં ચરણોમાં નમન કરી રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org