________________
ખંભાતનાં જિનાલયો
૧૮૩
શેરડીવાળાની પોળ વાસુપૂજ્ય સ્વામી - ઘરદેરાસર (સં. ૧૯૬૩ પહેલાં) શેરડીવાળાની પોળમાં પ્રવેશતાં જમણી બાજુના રસ્તા પર થોડેક આગળ જતાં ફરી જમણી બાજુ વળતાં છેક ખૂણામાં પહેલે માળ શ્રી વાસુપૂજય સ્વામીનું ઘર દહેરાસર આવેલું છે. આજે આ દહેરાસરનો વહીવટ શ્રી વિકાસભાઈ સુંદરલાલ કરે છે જેઓ શેરડીવાળાની પોળમાં રહે છે.
મૂળનાયક વાસુપૂજય સ્વામીની પ્રતિમા પર નીચે મુજબનું લખાણ છે :
“સં. ૧૭૦૪ ફાગણ સુદિ પાંચમ રવઈ શા રાઘવજી સુત કસ્તુરજી તમા આદિતત્ત શ્રી વાસુપૂજય બિંબ કારીત પ્રતિષ્ઠિત”
સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શેરડીવાળાની પોળમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે એ દહેરાસર સાથે શાહ હકમચંદ સાકળચંદનું નામ જોડાયેલું હતું. પાષાણના બે પ્રતિમાજીઓ અને ધાતુના છ પ્રતિમાજીઓ તે સમયે બિરાજમાન હતા. દહેરાસરના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શેરડીવાળાની પોળમાં વાસુપૂજયસ્વામીના ઘર દહેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે પણ પાષાણના બે પ્રતિમાજીઓ અને ધાતુના છ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. વળી દહેરાસરમાં ચાંદીના એક હાથીનો પણ ઉલ્લેખ થયેલો હતો. પૃ૦ પ૩ પર આ દહેરાસર વિશે નીચે મુજબની નોંધ મળે છે. “શેરડીવાળાની પોળમાં વાસુપૂજય સ્વામીનું ઘર જિનાલય, હુકમચંદ સકળચંદનું છે તે જુહારી પાછા વળવું. આ પોળમાં સુવિધિનાથનું દહેરું હોવા સંબંધી પ્રાચીન લેખોમાં ઉલ્લેખ છે, છતાં આજે તો દહેરું નથી.”
'સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શેરડીવાળી પોળમાં વાસુપૂજ્યજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો હતો. જિનાલય બીજે માળ દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે પાષાણની પ્રતિમાજીઓ વિદ્યમાન ન હતી. પરંતુ ધાતુની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ સુંદરલાલ અંબાલાલ હસ્તક હતો. જિનાલય બંધાવનારના નામ સાથે “શેઠ સુંદરલાલ અંબાલાલના વડીલો' એ મુજબનો ઉલ્લેખ થયો હતો.
એક નાની ચોરસ ઓરડીમાં કાષ્ઠની કોતરણીવાળા કબાટમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી બિરાજમાન છે. ઓરડી નાની, સાદી અને સ્વચ્છ છે.
કબાટમાં મૂળનાયકની પાછળની દીવાલ પર કાચ મૂકેલો છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી ચાંદીના હાથી પર ધાતુની અંબાડી પર બિરાજમાન છે. અહીં જિનાલયમાં કુલ ધાતુ પ્રતિમા સંખ્યા આઠ છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૩ પહેલાના સમયનું તો છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org