________________
ત્રીજા નંબરે, દેવદ્રવ્યની રકમ આપી સામે સાધારણ દ્રવ્યની રકમ માંગવી તે વ્યાજબી જણાતી નથી. તે રીતે બદલો કરીને મેળવેલ સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો આંશિક દોષ લાગ્યા વગર રહેતો નથી. તે જ રીતે સાધારણ સામે દેવદ્રવ્યની માંગણી કરવી પણ યોગ્ય જણાતી નથી. અમુક સંઘમાં સાત ક્ષેત્રની શાસ્ત્રીય કોઈ વ્યવસ્થા હોતી નથી. દરેક ક્ષેત્રની આવક એક જ કોથળીમાં ભેગી કરીને વહીવટ થતો હોય છે. તેવી સંસ્થામાંથી સાધારણના નામે દ્રવ્ય લેવાથી અન્ય દેવદ્રવ્ય - ગુરદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય આદિના ઉપભોગ-ભક્ષણનો દોષ લાગે છે. જ્યારે તેવી સંસ્થામાં દેવદ્રવ્ય આપવાથી તેના નાશનો દોષ લાગ્યા વગર રહેતો નથી. આ રીતે ઘણાં અનિષ્ટો થવાની સંભાવના હોવાથી બદલાની ગણતરીથી કાંઈ પણ કરવું જોઈએ નહિ.
પ્રશ્ન-૪ ધર્મદ્રવ્યના સંચાલન માટે ટ્રસ્ટ કરવું જરૂરી છે કે નહિ ? તે જણાવશો.
ઉત્તર-૪ સાત ક્ષેત્રની વ્યવસ્થા અને ધર્મદ્રવ્યની સુરક્ષા કરવી એ ચતુર્વિધ શ્રીસંઘનું કર્તવ્ય બને છે. સાત ક્ષેત્રની સંપૂર્ણ વ્યવસ્થા પ્રાચીનકાળથી શ્રી જૈન સંઘ કરતો આવ્યો છે. શ્રી શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા જેવા મહાન ગ્રંથોમાં દર્શાવેલ ગુણો જેના જીવનમાં હોય તેવા સુયોગ્ય આત્માઓ સંઘના આગેવાન બનવા અને દ્રવ્ય સંચાલન કરવા માટે અધિકારી બને છે. તે અધિકારી આગેવાનોએ ગીતાર્થ ગુરુ ભગવંતોના ચરણોમાં બેસી દ્રવ્ય સંચાલનના શાસ્ત્રીય માર્ગોને જાણવા જોઈએ. તે મુજબ સાતક્ષેત્રનું સંચાલન અને શ્રીસંઘની જવાબદારી વહન કરવી જોઈએ. સંઘના આગેવાનો અને દ્રવ્ય સંચાલકો ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞાને માનવા બંધાયેલા હોવા જોઈએ. તે જ પ્રમાણે ગીતાર્થ ગુરુ ભગવંતો જિનવચનને દર્શાવનારાં ધર્મશાસ્ત્રો સાથે બંધાયેલા હોવા જોઈએ.
શ્રીસંઘ અને દ્રવ્ય સંચાલનની આ વ્યવસ્થા આજ સુધી અખંડિત રીતે ચાલતી આવી છે. જ્યાં સુધી આ વ્યવસ્થા સુચારુ રીતે ચાલશે ત્યાં સુધી શ્રીજૈનશાસન સુરક્ષિત રીતે ચાલશે. જ્યાં જ્યાં આ વ્યવસ્થા નથી સચવાતી ત્યાં એનાં પરિણામો ખૂબ ભયંકર આવ્યાં છે અને પારાવાર અનવસ્થા પણ સર્જાઈ છે, તેવું જોવા મળે છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૧ ,