________________
૨૬૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
મિત્રદેવની સહાય પણ માંગી શકતા હતા. અરે ! ખુદ પોતાના બળથી પણ ચામડું દૂર કરવા સમર્થ હતા. અથવા સોનીને સમજાવવા માટે પણ સક્ષમ હતા; પરંતુ આ તો લોકોત્તર પુરુષ હતા અને વળી વીરપ્રભુના સાચા શ્રમણ હતા, તેથી તેમણે સામાન્ય માનવીની જેમ કોઈ તુચ્છ વિકલ્પોનો સહારો લીધો નહિ. તેઓ તો વિચારવા લાગ્યા કે, “આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનું કારણ મારા જ પૂર્વકૃત કર્મો છે, સોની તો તેમાં નિમિત્ત માત્ર છે. આ કર્મકૃત પરિસ્થિતિને સમભાવે સહન કરી લઈશ તો મારા કર્મ ખપી જશે. કર્મ ખપાવવાના અણમોલ અવસરે કોઈ અન્ય વિચાર મારે શું કામ કરવો ? વળી ક્રૌંચ પણ મારા જેવો જીવ છે. મને જેમ સુખ-દુ:ખ થાય છે તેમ તેને પણ થાય છે. મારાથી તેના દુઃખમાં નિમિત્ત કેવી રીતે બનાય !”
એક બાજુ મુનિ સમભાવમાં અત્યંત લીન બને છે તો બીજી બાજુ ચામડું ખેંચાતું જાય છે. અને મુનિના મસ્તકની નસો અને માથાની ખોપરીનાં હાડકાં તૂટતાં જાય છે; પરંતુ મુનિવર તો આત્મધ્યાનમાં મગ્ન છે. તેમના મનમાં કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. તેમને નથી સોનીનો દોષ જણાતો કે નથી ક્રૌંચનો દોષ જણાતો. સ્વકર્મના અપરાધને ચિંતવતાં ચિંતવતાં મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લ ધ્યાન ઉપર આરૂઢ થયા. શરીર આદિ અન્ય સર્વ જડ પદાર્થો કરતાં આત્મા ભિન્ન છે એવી ધ્યાનધારા દ્વારા તેમણે શરીરની મમતાને સર્વથા ત્યજી દીધી. સુકાતા ચામડાએ ચામડી ચીરી નાંખી અને મસ્તિષ્કના હાડકાં પણ ફોડી નાંખ્યાં. આંખોના ડોળા પણ બહાર નીકળી આવ્યા, પરંતુ સમતા અને સંયમની મૂર્તિ સમાન મેતાર્ય મુનિના મનમાં સામ્યભાવ સિવાય બીજો કોઈ ભાવ ન સ્પર્યો. જીવમાત્રને સમાનભાવથી જોનાર આ મુનિએ વાધરના બંધનને સત્ત્વભેર સ્વીકારીને, સદા માટે કર્મોના બંધનોથી મુક્તિ મેળવી લીધી.
સાનુકૂળ કે વિશેષ પ્રતિકૂળ ન હોય તેવા સામાન્ય સંયોગોમાં તત્ત્વચિંતનથી ભાવિતબુદ્ધિવાળા સાધકો માટે સમતાભાવ પ્રાપ્ત કરી તેની વૃદ્ધિ કરવી હજુ સહેલી છે; પરંતુ જ્યારે સંયોગો સર્વથા પ્રતિકૂળ હોય અને તેમાં પણ જ્યારે શરીરની વેદના અસહ્ય હોય ત્યારે સમતાભાવને ટકાવી રાખવો કે તેની વૃદ્ધિ કરવી તે અતિ અતિ અઘરું છે, તેથી જ આવા કપરા સંયોગમાં પણ સમતાભાવમાં સ્થિર રહેનાર મેતાર્યમુનિનું આ લોકોત્તર ચરિત્ર ખરેખર અદ્ભુત છે. કેમ કે, તેઓએ પ્રાણાંત ઉપસર્ગ વચ્ચે પણ ક્રોધના મલિન ભાવથી તો હૈયાને મુક્ત રાખ્યું, પણ તેનાથી આગળ વધીને સ્વબચાવના સંયોગ હોવા છતાં સ્વબચાવનો લેશ પણ પ્રયત્ન ન કર્યો અને સતત સમતાસમાધિને પરિપુષ્ટ કરી, એના સહારે ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે સીધાવ્યા. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org