________________
લોકોત્તર સમતા કોનામાં ? - ગાથા-૨
२. परप्रवृत्तौ बधिरान्धमूक: :- આત્મહિત સિવાયની અન્ય તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષિત રહેવું.
લોકોત્તર સમતા સાધવા માટે જેમ આત્મહિતકર પ્રવૃત્તિમાં લીન રહેવું જરૂરી છે, તેમ આત્મહિત સિવાયની સઘળી ૫૨ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાવાળું બનવું પણ જરૂરી છે. પુદ્ગલમાત્ર જીવ માટે પરાયું છે, તેથી પુદ્ગલ દ્રવ્ય તથા તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દ સ્વરૂપ તેના ગુણો અને તેના પ્રતિસમય પલટાતા પર્યાયો પ્રત્યે ઉપેક્ષા સેવવી. સારા રૂપાદિ જોઈ રાગ અને ખરાબ રૂપાદિ જોઈ તેમાં ક્યારેય દ્વેષ ન કરવો, ગમતા શબ્દ સાંભળી તેની પ્રશંસા કે અણગમતા શબ્દ સાંભળી તેની નિંદા ન કરવી, સર્વ પૌદ્ગલિક ભાવો પ્રત્યે બેધ્યાન બની જવું, તેની વાતો સાંભળવી પણ નહીં અને બોલવી પણ નહીં અને તેને જોવા ક્યારેય પણ ઉત્સુક થવું નહીં. આવી ઉદાસીન વૃત્તિ કેળવવી તે જ પરપ્રવૃત્તિ પ્રત્યેનું બહેરા, આંધળા અને મૂંગાપણું છે.
અન્ય જડ પદાર્થો જેમ આત્મા માટે પરાયા છે, તેમ જન્મથી મળેલું શરીર પણ જડ હોઈ તે પણ પરાયું જ છે. શરીર આદિ જીવના નથી અને જીવને સુખ આપી શકતા પણ નથી, તોપણ અનાદિકાળથી ઘર કરી ગયેલા મમતાના સંસ્કારોને કા૨ણે તે જીવને પોતાના અને સુખકર લાગે છે. જડમાં પોતાપણાની કે ઇષ્ટપણાની બુદ્ધિનો નાશ કરવા જ સાધકે તપ, સંયમાદિ અનુષ્ઠાનો આદરી તેની ઉપેક્ષા કરતા શીખવું જોઈએ. તે સાથે સતત વિચારવું જોઈએ કે, ‘હું સુખમય-આનંદમય આત્મા છું, મારામાં જ અનંત સુખનો ખજાનો ભરેલો છે, હું ખુદ સુખસ્વરૂપી છું, મારે સુખ માટે ક્યાંય જવાની જરૂ૨ નથી, મારા આત્મામાં જ શાશ્વત સુખ રહેલું છે, પૌદ્ગલિકભાવોમાં સુખ નથી, તેમાંથી સુખ મેળવવાનો પરિશ્રમ વ્યર્થ છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં તેને શોધવાથી તે મળે પણ જે વસ્તુ જ્યાં હોય જ નહીં ત્યાં અનંતકાળ તેને શોધવાથી પણ તે ન જ મળે. પૌદ્ગલિક ભાવોમાં સુખ ન હોવાથી સુખ માટે તેમાં પ્રવૃત્તિ કરવી વ્યર્થ છે.’ આવું સમજી-વિચારીસંવેદી સમતાસુખને ઇચ્છતા યોગીએ પૌદ્ગલિક ભાવો કે પ્રવૃત્તિઓમાં પ્રવર્તતી સુખબુદ્ધિનો અંત આણવો જોઈએ, શબ્દ આદિ પૌદ્ગલિક ભાવોમાં સુખબુદ્ધિનો નાશ થતાં જ તેમાં થતી પ્રવૃત્તિ અટકશે અને સમતાનો પ્રાદુર્ભાવ થશે.
૨૩૭
આત્મા માટે જડ પદાર્થો જેમ પરાયા છે તેમ અન્ય જીવો પણ પરાયા છે. મિથ્યાત્વના કારણે જીવને જેમ જડ પદાર્થોની ચર્ચા કરવી પસંદ હોય છે તેમ અન્ય જીવોની પંચાત કરવી પણ અતિ પસંદ હોય છે. સમતાને ઇચ્છતા સાધકે આ કુટેવનો પણ ત્યાગ કરવો જોઈએ. કર્મની પરાધીનતાને કા૨ણે અનંત ગુણોનો સ્વામી એવો આત્મા પણ અનેક દોષોનું ભાજન બની શકે છે. કોઈને જૂઠું બોલવાની તો કોઈને ચોરી કરવાની કુટેવ હોય. કોઈક સ્વાર્થી હોય તો કોઈક આળસુ હોય. કેટલાક દુરાચારી દેખાય તો કેટલાક વળી અવિનયી અને ઉદ્ધત હોય. અન્યના આવા દોષો જોઈ અકળાવું, તેમની નિંદા કરવી, તેમના પ્રત્યે ક્રોધ કરવો વગેરે આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ છે. ‘આવી પ્રવૃત્તિ કરવાથી મને શું ફાયદો થશે ? ઊલટાનું અન્યની પ્રવૃત્તિઓની ટીકા-ટીપ્પણ ક૨વાની મારી કુટેવને કારણે જ હું રાગાદિને આધીન બની મારી સમતાને જ પીંખી નાંખું છું’ - આવું વિચારી સાધકે અન્યના દોષો કે તેની કોઈપણ ભૌતિક પ્રવૃત્તિઓને જોવા માટે અંધ, સાંભળવા માટે બહેરા અને બોલવા માટે મૂંગા બની જવું જોઈએ. ક્યારેક અન્યની સાથે સંપર્કમાં આવવું પડે ત્યારે પણ તેમના કર્મથી રહિત શુદ્ધસ્વરૂપને જોવાની દૃષ્ટિ કેળવવી જોઈએ. આવી દૃષ્ટિથી અન્ય જીવોને જોવાથી સર્વ જીવો સમાન જણાય છે અને લોકોત્તર સમતાનો સહજ પ્રાદુર્ભાવ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org