________________
જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ - ગાથા-પ
શ્લોકાર્થ :
અદ્વૈત બ્રહ્મને જેણે જાણ્યું છે એવો જ્ઞાની પણ જો સ્વચ્છંદ રીતે આચરણ કરે, તો અશુચિ=વિષ્ટા આદિનું ભક્ષણ કરનાર કૂતરામાં અને વિષયોરૂપી અશુચિનું સેવન કરનાર તત્ત્વદ્રષ્ટામાં શું ફરક ? અર્થાત્ કોઈ ફરક નથી. (દેખાવથી ભલે કૂતરા અને જ્ઞાની જુદા દેખાય પણ અશુચિનું સેવન કરવાના વિષયમાં તો બન્ને સરખા જ છે. કૂતરા વિષ્ટા ગૂંથે છે અને જ્ઞાની વિષયોને વિષરૂપે જાણવા છતાં વિષયોરૂપી વિષ્ટા ગૂંથે છે.)
ભાવાર્થ :
અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાની જો આત્મા માટે અતિ ઉપકારક એવી તપ-સંયમ આદિ ઉચિત પ્રવૃત્તિઓને છોડી, શાસ્ત્ર કે ગુર્વાજ્ઞાને નિરપેક્ષ બની, જેમ મનમાં આવે તેમ પ્રવૃત્તિ કરે, તો જાત ઉપરના અંકુશ વગરના જ્ઞાનીમાં અને કૂતરામાં કોઈ ભેદ ૨હેતો નથી. કૂતરો રસ્તા ઉપરની તુચ્છ વિષ્ટારૂપ અશુચિઓનું ભક્ષણ કરે છે, જ્યારે જ્ઞાની વિષ્ટા જેવા તુચ્છ, અસાર અને અનેકવાર અનેકથી ભોગવાયેલા વિષયોને ભોગવે છે. આંમ અશુચિભક્ષણના વિષયમાં જ્ઞાની અને કૂતરો બન્ને સમાન જ છે.
વિશેષાર્થ :
૧૫૭
પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરતા જ્ઞાનીને અજ્ઞાની જેવા કહ્યા. આ જ વાતની અત્યંત કડક સમાલોચના કરતાં અન્ય દર્શનકારો તો જણાવે છે કે, જેની પાસે જ્ઞાન છે તેઓ પોતાના જ્ઞાનના આધારે અહિતથી અટકે અને હિતમાં પ્રવૃત્તિ કરે જ, પરંતુ જ્ઞાની હોવા છતાં જેઓ સ્વચ્છન્દપણે વર્તે તેમનામાં અને કૂતરામાં કોઈ ફરક નથી. શેરીમાં રખડતા કૂતરા શેરીમાં પડેલા ગંદા પદાર્થોરૂપ વિષ્ટા ખાઈ માત્ર પોતાની કાયાને અપવિત્ર કરે છે. જ્યારે જ્ઞાન હોવા છતાં સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરતા સાધકો અનંતા જીવોથી ભોગવાયેલા તુચ્છ અને અસાર વિષ્ટા જેવા વિષયોને ભોગવીને મન અને આત્માને અપવિત્ર કરે છે. આ રીતે અપવિત્ર વસ્તુના ઉપભોગરૂપ કાર્ય તો બન્નેનું સમાન જ છે.
જ્ઞાની તો તેને કહેવાય કે જે ગુરુનિશ્રામાં રહી, ગુરુકૃપાનું પાત્ર બની શાસ્ત્રાભ્યાસ કરે, શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં શમ, દમ, તિતિક્ષા આદિ ગુણો કેળવી ગુરુ પાસેથી અદ્વૈત બ્રહ્મનો ઉપદેશ મેળવે અને આવો ઉપદેશ પ્રાપ્ત થતાં, જાતને ધન્ય માની બ્રહ્મ માત્રમાં ઠરવા પ્રયત્ન કરે. ‘બ્રહ્મ જ સત્ય છે અને જગતના સર્વ પદાર્થો મિથ્યા છે', એવું તત્ત્વજ્ઞાન મેળવ્યા પછી પણ જો જ્ઞાની સ્વસ્વરૂપને ભૂલી જઈ, પાંચે ઇન્દ્રિયોના ભૌતિક સુખો પ્રાપ્ત કરવામાં કે પોતાના કષાયોને પોષવામાં જ રત રહેતો હોય તો તેને તત્ત્વવેત્તા કઈ રીતે કહેવાય ? કેમકે જે વ્યક્તિને સુખ આત્મામાં જ છે એવો બોધ હોય તે વ્યક્તિ સુખ માટે ક્યારેય બહાર ન ભટકે અને જો તે ભટકે તો કહેવું જ પડે કે તે અબુધ છે. આ બે શ્લોકોનાં કથન ઉપરથી નક્કી થાય છે કે, આત્માનું જ્ઞાન મેળવ્યા પછી જો જ્ઞાની ઉચિત પ્રવૃત્તિઓ કરે તો જ તે જ્ઞાની કહેવાય છે અને તો જ તે શુદ્ધ આત્મસ્વરૂપને પામવાની દિશામાં આગળ વધી શકે છે, તેથી જ્ઞાની માત્ર જ્ઞાનથી મોક્ષ પામી શકતો નથી; પરંતુ જ્ઞાન ઉપરાંત તેનામાં ઉચિત પ્રવૃત્તિઓ હોવી અતિ આવશ્યક છે, કેમકે જ્ઞાન અને ક્રિયા ઉભયથી મોક્ષ પામી શકાય છે. પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org