________________
અધ્યાત્મ ઉપનિષ ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
પ્રવેશ પાસમાં જિમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો; જ્ઞાનમાંહિ ‘અનુભવ’તિમ જાણો, તે વિણ જ્ઞાનતે જૂઠો રે.
- શ્રીપાળરાસ શાસ્ત્રનો બોધ અને જ્ઞાનનો યોગ : આ બન્નેમાં ફરક છે- એવું પણ ઘણા લોકો જાણતા નથી, તેથી તેમને તો શાસ્ત્રનું અધ્યયન કરવું એટલે જ જ્ઞાનની સાધના કરવી એવું લાગે છે. વિરલ પ્રતિભાના સ્વામી મહામહોપાધ્યાયજીએ આ ગ્રંથમાં શાસ્ત્ર અધ્યયન અને જ્ઞાનનો ભેદ દર્શાવી સાધક જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. આ વિવેકને નહિ સમજનાર સાધક ઘણું બધું કરવા છતાં પણ અનુભૂતિના સ્તરથી દૂર રહી જાય છે.
શાસ્ત્રનું જ્ઞાન સ્વભાવદશા ભણી જવાનો ઈશારો કરે તેવું દિશા સૂચક છે, તો જ્ઞાનયોગ તે સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સાધકનો સાથ ન છોડે તેવો ભોમિયો છે. શાસ્ત્રબોધ માટે બુદ્ધિની સૂક્ષ્મતા જરૂરી છે, તો જ્ઞાનયોગ માટે બુદ્ધિની નિર્મળતા આવશ્યક છે. એકમાં દર્શન મોહનીયના ક્ષયોપશમથી સંવલિત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કારણભૂત છે, તો બીજામાં ચારિત્રમોહનીયન ક્ષયોપશમથી સંવલિત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નિમિત્તભૂત બને છે. આમ છતાં બન્ને વચ્ચે પ્રગાઢ સંબંધ છે. પ્રદીપ અને પ્રકાશની જેમ એક કારણ છે, તો બીજું તેનું કાર્ય છે અને આ કાર્ય-કારણ સંબંધ જોડનાર કડી એટલે જ સાધનાચારિત્રયોગની આરાધના.
જ્ઞાનયોગ એટલે “અનુભવજ્ઞાન.' આત્મસ્વરૂપની બૌદ્ધિક માહિતી નહીં, પરંતુ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન. આવો જ્ઞાનયોગ જ્યારે દેહાધ્યાસ ટળે, “શરીર તે જ હું' એવો ભ્રમ ભાંગે, કર્મકૃત સર્વ ભાવોમાં મારાપણાની બુદ્ધિ દૂર થાય અને સ્વરૂપનું અનુસંધાન ચાલું થાય અર્થાત્ આત્માની આંશિક પણ અનુભૂતિ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. આ અનુભવજ્ઞાનને સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉત્તમ જ્ઞાન કહ્યું છે.
તર્ક, યુક્તિ, આગમ વગેરેથી આત્માની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ, ગોખીએ કે આત્માની વાતો કરીએ તોપણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે ન જુવે, ન સંવેદે, ન અનુભવે, આત્મિક આનંદ ન માણે, ત્યાં સુધી આત્મજ્ઞાન આપતાં શાસ્ત્રનો બોધ અધૂરો છે. આ હૃદયસ્પર્શી અધિકાર, તે અધૂરાશને દૂર કરવાની તલપ જગાડે તેવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org