________________
૧૮૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર એટલે કે હાથીમાં બળ ધર્મ હોય છે. બળવાન હાથી પણ સિંહના પંજામાં સપડાય છે ત્યારે તે કેવો માયકાંગલો છે ઓશિયાળો બની જાય છે ! આથી હાથીમાં નિર્બળતાધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હોત તો સિંહને દૂર ફેંકી દેત. એટલે કે હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણીઓની અપેક્ષાએ બળ ધર્મ છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે.
સંસ્કૃત આદિ અનેક ભાષાઓમાં વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરને જ્યારે ખેતી કરવા અંગેના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેને માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત આદિ ભાષાઓમાં વિદ્વાન હોવા છતાં ખેતીના વિષયમાં તો તે મૂર્ખ જ છે. એ જ પ્રમાણે ખેતીને સારી રીતે જાણનાર ખેડૂત ભાષાના વિષયમાં મૂર્ખ હોવા છતાં ખેતીના વિષયમાં વિદ્વાનઇકુશળ છે. પ્રોફેસર ભાષાજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે અને ખેતીના જ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે. જે ન સમજે તે મૂર્ખ અને જે સારી રીતે સમજે તે વિદ્વાન, ખેડૂત ભાષા વિશે કાંઈ જ સમજતો નથી છતાં ખેતી વિશે સુંદર સમજે છે, આથી ખેડૂત ભાષાજ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે અને ખેતીજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે.
એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. મને એક માનવનો અનુભવ છે કે, તે દિવસે કોઈનાથી ડરે નહિ, પણ રાતે તે બહુ જ ડરે. આથી તે રાતે કદી એકલો ક્યાંય જાય નહિ. કહો, તે વ્યક્તિમાં પરસ્પર વિરોધી દેખાતા નિર્ભયતા અને ભીરુતા એ બે ધર્મો છે કે નહિ ? તે વ્યક્તિમાં દિવસની અપેક્ષાએ નિર્ભયતા ધર્મ છે અને રાત્રિની અપેક્ષાએ ભીરુતા ધર્મ છે.
જ્યારે આપણને ઝેરની સ્મૃતિ થાય કે ઝેરને જોઈએ ત્યારે ઝેર એટલે જીવનનો અંત લાવનાર વસ્તુ એવો આપણને ખ્યાલ આવે છે, પણ જો આપણે ઝેર અંગે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ઝેર નૂતન જીવનની ભેટ આપે છે એમ પણ ખ્યાલ આવશે. ઝેરમાં જેમ જીવનનો અંત લાવવાનો ધર્મ છે તેમ નૂતન જીવન અર્પણ કરવાનો પણ ધર્મ છે. કેમ કે, ઝેરમાં અમુક રોગોને નાબૂદ કરવાની પણ શક્તિ હોય છે. આથી જ અનેક ઔષધોમાં ઝેરનું મિશ્રણ થાય છે.
તમે માનો કે ન માનો પણ એક સત્ય ઘટના છે. એક શહેરમાં એક ડૉક્ટરના મિત્ર બીમાર થયા. ડૉક્ટરે તેમની સારવાર શરૂ કરી. મિત્રના કુટુંબમાં કોઈ ન હતું. મિત્ર એકલા જ હતા. મિત્રની મિલકત પણ ઠીક ઠીક હતી. ડૉક્ટરની સેવાથી ખુશ થયેલા મિત્રે ડૉક્ટરને કહી દીધું કે મારા મૃત્યુ બાદ મારી બધી મિલકત તમને મળે એ માટે તમારા નામનું વિલ કરી લઈએ. વિલ ડૉક્ટરના નામનું થઈ ગયા બાદ ડૉક્ટરની દાનત બગડી. તેણે મિત્રને ઔષધને બદલે ઝેર આપી દીધું. ડૉક્ટર મિત્રના મૃત્યુની રાહ જોઈ રહ્યા, પણ મિત્રના શરીરમાં તે ઝેર અમૃતરૂપ બની ગયું. તેમનો રોગ દૂર થઈ ગયો. આમ ઝેર અમુક પર્યાયોની અપેક્ષાએ ઔષધઇંઅમૃતરૂપ છે અને અમુક પર્યાયોની અપેક્ષાએ ઝેરરૂપ છે.
ઉપરનાં ચારે ઉદાહરણોમાં અપેક્ષા શબ્દ વપરાયેલો છે. અહીં અપેક્ષા શબ્દનો પ્રયોગ ખાસ જરૂરી છે. વસ્તુમાં તે તે ધર્મ પણ છે, અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. અનેકાન્તવાદનો મહેલ અપેક્ષાભેદના સ્તંભ ઉપર જ ટકી રહ્યો છે. આથી જ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. સ્થતિ શબ્દનો અર્થ અપેક્ષા છે. અપેક્ષા એટલે નય. અનેકાન્તવાદ અને નય વચ્ચે અંગાંગીભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org