________________
૧૩૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
શ્લોકાર્થ :
આત્માને એકાત્તે અનિત્ય માનનારાના મતમાં પણ હિંસાદિ ઘટતાં નથી. કેમ કે, સ્વયં જ નાશ પામનારી ક્ષણોનો – જીવાદિ પદાર્થોનો નાશક કોણ થાય ? ભાવાર્થ :
આત્માને એકાન્ત નિત્ય માનનારના મતમાં તો હિંસાદિ ઘટી શકતાં નથી પણ આત્માને એકાન્ત અનિત્ય માનનારના મતમાં પણ હિંસાદિ ઘટતાં નથી. જ્યારે પદાર્થનો સ્વભાવ જ એવો હોય છે, તે સ્વયં જ બીજી ક્ષણે નાશ પામી જતો હોય, ત્યારે તેનો નાશ કરનાર કોણ બને ? અને જ્યારે નાશક જ ન હોય, ત્યારે કોની પ્રવૃત્તિને હિંસા તરીકે સ્વીકારી શકાય ? અને હિંસા શક્ય જ ન હોય તો અહિંસા પાલનની વાત કે ઉપદેશ પણ શી રીતે ઘટે ? આથી જ એકાન્ત અનિત્ય માનનારના મતમાં પણ હિંસાદિ ઘટતાં નથી. વિશેષાર્થ :
બૌદ્ધ મત આત્માને એકાન્ત અનિત્ય માને છે. તેમના મતે દરેક વસ્તુ એકાન્ત ક્ષણિક છે એટલે કે વસ્તુ માત્ર એક ક્ષણ જ રહે છે, તેનો સ્વભાવ જ એવો છે કે, તે બીજી ક્ષણે વિનાશ પામી જ જાય. આત્મા આદિ દરેક પદાર્થ પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે અને બીજી જ ક્ષણે સ્વયં વિનાશ પામી જાય છે. આવી માન્યતા હોવાને કારણે આત્માને પણ એકાન્ત ક્ષણિક માનનાર બૌદ્ધ મતમાં પણ હિંસા ન ઘટે. કેમ કે, આત્મા જો બીજી ક્ષણે રહેવાનો હોય તો કોઈ હિંસક વ્યક્તિ તેનો નાશ કરી તેની હિંસા કરી શકે. જેમકે કોઈ ઘડો બન્યા પછી બીજી ક્ષણે હાજર હોય તો કોઈ તેને લાકડી મારી ફોડી શકે, પરંતુ ઘડો સ્વયં જ બીજી ક્ષણે નાશ પામી જતો હોય તો તેનો નાશ કોઈ કેવી રીતે કરી શકે ? તેવી જ રીતે જેની હિંસા કરાય છે તે હિંસ્ય વ્યક્તિ જ્યારે સ્વયં જ બીજી ક્ષણે નાશ પામી જતી હોય ત્યારે, ‘હિંસક શસ્ત્રનો ઘા કરી તેને મારી નાંખ્યો,” તેમ કેવી રીતે કહી શકાય ? હવે જ્યાં આત્માના નાશમાં કોઈ અન્ય વ્યક્તિ કારણભત નથી બનતી ત્યાં કોની પ્રવૃત્તિને હિંસા તરીકે સ્વીકારી શકાય ? આથી જ આત્માને એકાત્તે અનિત્ય માનનાર મતમાં પણ હિંસા આદિ ઘટી શકતાં નથી.
જૈનદર્શન પણ આત્માને અનિત્ય માને છે, પણ એકાન્ત નહિ. તે આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે, તેથી ક્યારેક કોઈક વ્યકિત સંક્લેશને આધીન થઈ કોઈ અન્ય જીવની પશુ, પક્ષી કે માનવ વગેરે અવસ્થાનો નાશ કરે ત્યારે તેણે હિંસા કરી કહેવાય અને તે સ્વયં હિંસક પણ મનાય. આમ, અપેક્ષાભેદથી આત્માને નિત્ય-અનિત્ય માનનાર જૈનમત પ્રમાણે હિંસાદિ ઘટી શકે છે, તેથી તે તાપશુદ્ધ શાસ્ત્ર કહેવાય છે. પિતા
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે, બૌદ્ધોના ક્ષણિકવાદના આધારે “આત્માને એકાન્ત અનિત્ય માનવામાં હિંસાદિ ઘટતાં નથી. તેના બચાવમાં પૂર્વપક્ષી બૌદ્ધો જે કહે છે, તે રજૂ કરીને, તેની તે વાત કઈ રીતે બરાબર નથી તે જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org