________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલ છેલ્લે પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પોતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમારે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કોરા સાહેબના પુત્ર ભાઈ અશોકે મને ટૂંકકોલથી સમાચાર આપ્યા કે પૂજય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા !
ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તો અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂન થઈ ગયું અને હૃદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તો શ્રીલક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા હતા; પૂજય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રીનેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા !
વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧ સોમવારનો દિવસ; રાત્રિના ૮-૫૦ નો સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપોરસી ભણાવી લીધી; અને જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હંમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રીલક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બે-ચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા ! છેલ્લી પળો પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને ઉજ્જવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ !
પૂજયપાદ પુણ્યવિજયજી મહારાજની ઇચ્છા મુજબ શ્રીલક્ષ્મણભાઈએ છેલ્લા કાગળમાં લખ્યું હતું કે-“અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે કયાંક રહેવું પડશે”-એ વાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શકયું છે ?
યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજયપાદ પુણ્યવિજયજીમહારાજે રાધનપુર નિવાસી મુંબઈમાં રહેતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org