________________
૪૮
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓના આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પોતાની તથા પોતાના પક્ષની ભૂલોને શોધવા-સમજવાસ્વીકારવાની તત્પરતા તેમજ અપાર સહનશીલતા જોતાં સહેજે આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મરણ થઈ આવે છે.
તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરનાર વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણતા હતા, અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો કે સામી વ્યક્તિ એનો પ્રતિકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસંમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સંમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા હતા, એમાં એમના આ ગુણનો હિસ્સો નોંધપાત્ર હતો.
આપણા શ્રમણસંઘના જુદા જુદા સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા, અને કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને ક્યારેય ક્ષોભ કે સંકોચ થતો નહીં; તેમ એમની પાસે આવવામાં પણ કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સભ્યોને-સાધુઓને સંકોચ ન થતો, એમનાં અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં, અને તેથી જ તેઓ ત્યાગવૈરાગ્યમય સંયમજીવનનો સાચો અને અપૂર્વ આનંદ અનુભવી શકતા.
મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવોથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ હતા; અને અવસર આવ્યું તેઓ તેને નિર્ભયપણે વ્યક્ત પણ કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org