________________
૨૮
શિક્ષામૃત પરિમિત થઈ ગયો છે. પંદર ભવથી સોળમો ભવ નથી. પંદરના તેર ભવ થાય, અગિયાર થાય, નવ થાય, સાત થાય, પાંચ થાય, ત્રણ ભવ થાય. આપણે પુરુષાર્થ કરીએ તો ત્રણ ભવ બાકી રહે એટલે સુધી પહોંચી શકીએ છીએ.
અનંત સંસાર નથી, સોળ ભવ નથી અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી અંતરંગ મોહિની નથી.
એને શંકા, કંખા, વિડિગિચ્છા કાંઈ ન હોય. એને સંપૂર્ણ ખાતરી હોય. એને દર્શનમોહનો નાશ થયો હોય એટલે ગ્રંથિભેદ થયો હોય. ગ્રંથિભેદ એટલે શું? ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શન મોહનીય (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમક્તિ મોહનીય)ની ગ્રંથિ એટલે કે ગાંઠ. એ ગાંઠનું વર્ણન કર્યું છે કે આમ આંકડિયા ભીડ્યા છે ને પાછા તે મરડાયેલા છે. કૃપાળુદેવ લખે છે કે આ આત્મા આગલા ભવોમાં ગ્રંથિભેદ કરવા સુધી ઘણી ફેરે આવી ગયો, પણ ત્યાંથી નબળો થઈ પાછો ફરી ગયો, એને ગ્રંથિભેદ થયો નહીં. જો ગ્રંથિભેદ થયો હોત તો આપણે અત્યાર સુધી રખડતા ન હોત. ગમે તેમ કરીને ગુરુગમ મળે નહીં, દર્શનમોહ જાય નહીં અને ગ્રંથિભેદ થાય નહીં, સમક્તિ પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી ભલેને ધર્મના નામે હિમાલય ખોદી નાખે કે શરીરને ઝાડવા સાથે બાંધીને કષ્ટ કરે કે શરીરને ગાળી નાખે, તો પણ જનમમરણના ફેરા ટળે નહીં. જનમમરણના ફેરા તો જ ટળે જો અવિદ્યા જાય, અજ્ઞાન જાય, ગ્રંથિભેદ થાય, દર્શન મોહ જાય. આ બધાનો અર્થ એક જ થાય છે. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ એમ કહે છે કે “શબ્દભેદ ઝઘડો કિશ્યોજી, પરમારથ જો એક.' હવે હિન્દુધર્મ એમ કહે છે કે ભ્રાંતિ હોય ત્યાં સુધી જનમમરણના ફેરા ટળે નહીં. તો જૈનધર્મ એમ કહે છે કે મિથ્યાત્વ અથવા તો દર્શનમોહ હોય ત્યાં સુધી જનમમરણના ફેરા ટળે નહીં. તો એ બેનો અર્થ એક જ થાય છે. જે ભ્રાંતિનો અર્થ થાય છે એ જ મિથ્યાત્વનો અર્થ થાય છે, એ જ દર્શનમોહનો અર્થ થાય છે. એનો અર્થ ઊંધી સમજણ એટલે દિશાભ્રમ. કલકત્તા જવું છે, કલકત્તા પૂર્વમાં આવ્યું અને પશ્ચિમમાં કરાંચી તરફ ચાલીએ અને મનમાં એમ માનીએ કે આ પૂર્વ છે, તો પહોંચીએ કરાંચી; કલકત્તા ન પહોંચીએ. આટલા બધા આ સંસારમાં ગ્રેજ્યુએટ (Graduate) ડાહ્યા ગણાય છે. છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને દિશાભ્રમ છે. ઊંધા જ ચાલવાનું કરે છે. ઊંધા ચાલવાનું એટલે કે ‘શરીર એટલે હું એવું તેઓ માને છે. સવારમાં ઊઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી શરીર એટલે જ હું એમ માનીને આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ, આ દિશાભ્રમ છે. આમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગને કારણે સંસારમાં રખડવાનું છે. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગના કારણે પડતો બંધ જાય નહીં. પહેલાં મિથ્યાત્વ જવું જોઈએ. મિથ્યાત્વ જાય એટલે એકડો થયો. પછી આપણી ગમે તે ક્રિયાએ મીંડા ચઢતાં જ જાય. એક મીંડું ચઢે એટલે દસ, બે મીંડા ચડે એટલે સો, પછી હજાર અને એમ સવળી ક્રિયાથી જનમમરણના ફેરા ટળી જાય. એમ આ આપણા ઉપર અનુકંપા લાવીને કૃપાળુદેવ લખતા ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org