________________
વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય
૭૯
અ. ૨.૨ના ઉત્તરાર્ધમાં નમૂનેદાર લાઘવ (સંક્ષેપ) જાળવીને પણ અત્યંત માર્મિક રીતે કહ્યાં છે; તે આ છે : (૧) રાજકાજમાં ત્રયીવિદ્યા ધર્મ-અધર્મ-નિર્ણયમાં મદદ કરે છે, વાર્તાવિદ્યા અર્થ-અનર્થ (લાભહાનિ)નો નિર્ણય કરાવે છે, તો દંડનીતિ નય-અપનયનો (કોઈ પગલાથી પરિણમનારી રાજકીય સફળતા-નિષ્ફળતાનો) નિશ્ચય કરાવે છે. જ્યારે આન્વીક્ષિકી આ ત્રણે ય વિદ્યાઓનાં ખુદનાં જ એકંદર બળાબળનો નિર્ણય ઉચ્ચતમ સત્યધર્મની દૃષ્ટિએ, યોગ્ય ઉચ્ચતર હેતુઓ દ્વારા કરવાનું સામર્થ્ય આપે છે. માત્ર નજીકની અને પ્રત્યક્ષ દેખાતી પરિસ્થિતિને જ જોઈને ટૂંકા ક્ષેત્રમાં જ પ્રવર્તતાં જ્ઞાનસાધનો દ્વારા કોઈ ઉચ્ચ સમતોલ નિર્ણય લેવામાં, મહદ્અંશે અહંકેન્દ્રી પ્રતિભાને કારણે પૂર્વગ્રહો અને આવેગો બેકાબૂ રીતે ભળવાથી, લાંબા ગાળાનું અને પ્રતિહિંસા ન નોતરનારું હિત થાય તેવો નિર્ણય લેવાનું પ્રાયઃ અશક્ય બની રહેતું હોય છે. તેવે વખતે કોઈ ગુરુવર્યની કૃપાથી મળેલી દર્શનવિદ્યાની સંગીન તાલીમથી સ્વચ્છ, પૂર્વગ્રહમુક્ત અને વિનીત બનેલી પ્રતિભા કાળસ્થળનો વધુ વ્યાપ સંવેદીને કાલાતીત તત્ત્વોમાં પાકી શ્રદ્ધા અનુભવીને સમગ્રતાથી અપૂર્વ નિર્ણય લઈ શકે છે; મનુષ્યની ઉચ્ચતર પ્રકૃતિના આલંબન થકી ઓછી ક્રિયાથી અને ન્યૂનતમ સંઘર્ષથી ઇષ્ટ ફળ મેળવી શકે છે. (૨) દર્શનવિદ્યાનો આજીવન પ્રભાવ આપત્તિકાળમાં કે ઉન્નતિકાળમાં બુદ્ધિને સ્થિર રાખે છે (સ્થિતપ્રજ્ઞતા આપે છે), બુદ્ધિને નિરાશાથી કે અભિમાનથી મુક્ત રાખે છે. (૩) મનુષ્યની પ્રજ્ઞાને, વાણીને અને ક્રિયાશક્તિને દક્ષ અને કાર્યસાધક બનાવે છે. ૨૩
આન્વીક્ષિક-વિદ્યાની મહત્તા બાબત જરા ય અવગણના કે શંકા ન પોષાય તે માટે આ ચર્ચાને અંતે, પૂરી જવાબદારી અને પ્રતીતિ સાથે આન્વીક્ષિકીનો મહિમા ગુંજવતા સ્વરચિત કે કદાચ પરંપરાપ્રાપ્ત એવા એક શ્લોક દ્વારા કૌટિલ્ય કહે છે : “આન્વીક્ષિકી સદાકાળ સર્વવિદ્યાઓના મહાદીપ(પ્રદીપ)રૂપ, સર્વ કાર્યસિદ્ધિઓના ઉપાયરૂપ અને સર્વ ધર્મોના આશ્રયરૂપ મનાઈ છે.”૨૪
ભગવદ્ગીતાના “વિભૂતિયોગ’(અધ્યાય ૪.૧૦)માં “વિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું” (અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ -ભ.ગી. ૨૦.૩૨) એમ જે સ્પષ્ટરૂપે કહેવાયું છે, તેનો અને મુકુન્નોપનિષત્ દ્વારા અધ્યાત્મવિદ્યાની જે પ-વિદ્યા (શ્રેષ્ઠ વિદ્યા) એવી ઓળખાણ અપાઈ છે તેનો જ પડઘો વિશાળ દૃષ્ટિથી કૌટિલ્ય આ ચર્ચામાં પાડ્યો છે. રાજનીતિ પણ પરમ-સત્યનો આદર કરીને જ (સત્યમેવ નયતે – એવી સાચુકલી પ્રતીતિ હૈયે ધારણ કરીને જ) ચિરકાળ સુધી સાર્થક અને જયવંતી બની શકે એવો ચોખ્ખો મત કૌટિલ્ય અહીં પુરસ્કારે છે; એટલું જ નહિ, આપણે આ વ્યાખ્યાનમાં આગળ અને પછીના વ્યાખ્યાનમાં પણ જોઈશું તેમ ગ્રંથમાં વ્યાપક રીતે તેમના આ અભિપ્રાયનો પ્રભાવ રાજનીતિનાં વિવિધ પાસાંનાં તેમનાં નિરૂપણોમાં ફરી-ફરી ડોકાયા કરે છે.
એ વાત અત્રે ઉલ્લેખયોગ્ય છે કે ઉપનિષદો દ્વારા ભારતીય વિદ્યાઓમાં શ્રેષ્ઠ, શ્રદ્ધેય અને જીવંત રૂપે જે અધ્યાત્મવિદ્યા વ્યક્ત થઈ છે, તેની ઉત્પત્તિ અને ખિલવટમાં ક્ષત્રિય રાજાઓ – જનક, પ્રસેનજિત્, પ્રવાહણ જૈવલિ ઈત્યાદિનો ફાળો ગણનાપાત્ર છે. વિશાળ હૃદયના રાજાઓએ દિલદાર રાજકાજ વચ્ચે ટકાવી રાખેલી મુક્ત માનવીય ચિંતનશક્તિને કારણે પોતાના રાજકાજની કે યુદ્ધોની અનેક નબળી, વિફળ કે અમાનુષી બાજુઓ ફરી-ફરીને તીવ્રપણે અનુભવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org