________________
શક પ્રજા : ભારતમાં આગમનની ભૂમિકા
ઘણા દીર્ઘકાલથી શક પ્રજા આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં જ્ઞાત છે. આપણા પૂર્વકાલનાં સંસ્કૃત સાહિત્યમાં યવનો(ગ્રીકો)ની સાથે વારંવાર શક-પહ્વવોનો નિર્દેશ જોવા મળે છે; પરંતુ સાહિત્યિકસામગ્રીના પ્રાસંગિક ઉલ્લેખો ઉપરથી આ પ્રજાના સર્વાંગીણ ઇતિહાસ વિશે પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. આથી આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન સંસ્કૃત ગ્રંથોમાં શકોના ઉલ્લેખ જોવા પ્રાપ્ત થતા હોવા છતાંય એમના મૂળ વતન વિશેની અને આપણ ભૂમિમાં થયેલા એમનાં આગમનની તવારીખ માટે આપણે મુખ્યત્વે ગ્રીક તથા ચીની ભાષામાં લખાયેલા અહેવાલો ઉપર અને આ પ્રજાના શાસકવર્ગે કોતરાવેલા શિલાલેખો તથા તૈયાર કરાવેલા સિક્કાઓ ઉપર વિશેષ આધાર રાખવો રહે છે.
પ્રકરણ ત્રણ
ઈસ્વી પૂર્વ ૧૮૫ના અરસામાં મૌર્ય સામ્રાજ્યનો અસ્ત થતાં અને અનુગામી રાજવંશમાંથી કોઈ શક્તિસંપન્ન સામ્રાજ્ય અસ્તિત્વમાં ન હોવાને પરિણામે પરદેશી આક્રમણકારો સારુ આપણી ભૂમિમાં પ્રવેશવાનાં દ્વાર પુનઃ ખુલ્લાં થયાં. વિદેશી એવા પ્રસ્તુત આક્રમણકારોમાં શકપ્રજાથી ખ્યાત આક્રમકોનો પણ સમાવેશ થાય છે.
શક પ્રજાના આક્રાંતાઓએ આપણા દેશના ઉત્તર-પશ્ચિમ પ્રદેશોમાંના યવનોને હરાવી, તે વિસ્તારમાં સત્તા સ્થાપી, જેની ચર્ચા આ પ્રકરણમાં અંતભાગે કરી છે. આ શકોએ યવનોને તો આપણા દેશમાં પરાજિત કર્યા જ, પણ એમને એમના મૂળ વતન બાહ્નિકમાં પણ હરાવી, ત્યાંથી તેમને સ્થળાંતર કરવાની ફરજ પાડેલી. શકોએ પર્લવદેશ (પાર્થિઆ) પર ધસારો કરી પર્લવ રાજાઓને પણ હરાવેલા. આમ જગતના ઇતિહાસમાં આ શકપ્રજા ઘણા પૂર્વકાલથી જ્ઞાત હોવાનું સૂચિત થાય છે. આ પ્રકરણમાં આથી આપણે શકપ્રજાનું મૂળ વતન ક્યાં હતું, કાં કારણોસર તેમને મૂળ વતન છોડવું પડ્યું, ભટકતાં ભટકતાં તેઓ આપણા દેશમાં ક્યાંથી પ્રવેશ પામ્યા, એમણે રાજકીય દૃષ્ટિએ પ્રારંભિક કારકિર્દી કેવી રીતે ક્યાંથી શરૂ કરી ઇત્યાદિ સવાલો સહજ રીતે ઉપસ્થિત થાય તે સ્વાભાવિક હોઈ અહીં આપણે તે બાબતે વિગતે વિશ્લેષણ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
શકપ્રજાનો પ્રારંભિક નિર્દેશ
ઇતિહાસની તવારીખમાં શકપ્રજાનો પહેલપ્રથમ ઉલ્લેખ માદ અથવા મિદી (medes) લોકોના સંદર્ભમાં જોવા મળે છે. માદ લોકો ભારોપીય હતા. ઐતિહાસિક રીતે તેઓ શકો અને ઈરાનીઓના મિશ્રણવાળા હતા. ઈસ્વી પૂર્વે ૧૦૦૦ના અરસામાં એસીરિયામાં તેઓ રહેતા હતા. ઈસ્વીપૂર્વ આઠમી સદીમાં તેમણે મીડિયામાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અકબતાના (ecbatana હાલનું હમદાન, ઈરાન) એમની રાજધાની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org