________________
૪૦૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ બાકી જેને જીવનમાં કોઈનું શરણ સ્વીકારવું નથી, કોઈને સમર્પિત થવું નથી, રખડતા ફરવું છે, અને અપેક્ષા રાખે કે મારા રક્ષણની જવાબદારી કોઈ લે, તો તે ન બને. વ્યવહારમાં પણ રખડતા ઢોરને રસ્તે ચાલતો માણસ પણ દોહી લે, ઉપરથી ચાબુક પણ ફટકારે, છતાં કોઈ માવજત કરવા તૈયાર ન થાય. જ્યારે પાળેલા ઢોરની માલિક પણ ચિંતા કરે જ છે.
રાજ્યમાં ઘણા નાગરિકો એવા હોય છે કે જે દેશના બધા કાયદા-કાનૂન પાળતા નથી, તો તે કાનૂનભંગની માત્રા અનુસાર અપરાધી છે, સજાપાત્ર છે; છતાં દેશ અને બંધારણને વફાદાર છે ત્યાં સુધી નાગરિક કહેવાય. તેને પણ રાજ્ય રક્ષણ વગેરે આપે. તેમ તમે પણ કહો કે આ ધર્મશાસનનું બંધારણ (દ્વાદશાંગી) મને માન્ય છે, પણ પાળવામાં નબળો છું, તો તમે પણ શાસનને શરણે છો, પરંતુ પૂરા સમર્પિત નથી. તેવું સમર્પણ તો ત્યારે જ કહી શકાય કે તમે તમારી ભૂમિકાની બધી જ કાયદા-કાનૂનરૂપ આજ્ઞાઓ શ્રદ્ધા સાથે જીવનમાં પાળવા, અમલ કરવા તૈયાર થાઓ. જે એવો અનુયાયી છે તે સંપૂર્ણ સમર્પિત છે, પછી ભલે તેની ભૂમિકા માર્ગાનુસારી, જૈન, સમ્યગ્દષ્ટિ, શ્રાવક કે સાધુની હોય, તેની ચર્ચા નથી. શાસ્ત્રરૂપી બંધારણ સંપૂર્ણ સ્વીકારનાર જ શ્રીસંઘનો સાચો સભ્ય :
ધર્મશાસનનું શરણ સ્વીકાર્યા વિના સાચું સભ્યપદ નથી. શરણ સ્વીકારવા શાસ્ત્રરૂપી બંધારણ મંજૂર કરવું જ પડે. અત્યારે તમને સંઘમાં સભ્યપદનો નકરો ૧૦૦-૨૦૦ રૂપિયા ભરી દો તેથી સભ્યપદ આપી દે, તે ખાલી ઔપચારિક સભ્યપદની ફી છે, વાસ્તવિક સભ્યપદ આ બંધારણના સ્વીકારની શરત સિવાય મળે નહીં. ગમે તેવો અધર્મી હોય તોપણ ધર્મશાસનની આ શરત સ્વીકારે તો તેને પણ અનુયાયી તરીકે સ્થાન, રક્ષણ મળે. શાસ્ત્રમાં દૃષ્ટાંતો આવે છે કે આચારમાં ઘણી ખામીવાળા હોય, અરે ! ત્યાં સુધી ઉપાધ્યાયજી મહારાજ સાહેબનું વિધાન મળે કે સપ્તવ્યસની હોય, છતાં જો તેને શાસ્ત્ર મંજૂર છે તો તે શાસનમાં છે, અને જેને શાસ્ત્ર મંજૂર ન હોય તેવી મહાસદાચારી વ્યક્તિ પણ સંઘની બહાર છે. સપ્તવ્યસની પણ જો બંધારણ પૂરેપૂરું માને છે, શ્રદ્ધા-વફાદારી વ્યક્ત કરે છે, પરંતુ વ્યક્તિગત ખામી કે નબળાઈના કારણે પાપ છોડી શકતો નથી, તો પણ તેને અનુયાયી ગણ્યો છે. આ આપવાદિક caseની (કિસ્સાની) સીમા છે. તેનો દાખલો તમે ઊંધી રીતે ન લઈ શકો. Extreme (અંતિમ મર્યાદા) દર્શાવી છે. કોઈના જીવનમાં કોઈ મોટા દોષ-પાપ હોય, પરંતુ તે કહે કે જિનેશ્વરદેવનું કહેલું તત્ત્વ ગણધરરચિત શાસ્ત્રોરૂપે હું શ્રદ્ધાથી ૧૦૦ ટકા માન્ય કરું છું, તો તેને પણ lower levelનું (નીચલી કક્ષાનું) સભ્યપદ મળે; કેમ કે તે બંધારણનો સ્વીકાર કરવા તૈયાર છે. આ જ મોટામાં મોટું qualification (લાયકાત) છે. અહીં વ્યવસ્થાતંત્ર છે. જેમાં દેશમાં કોઈ નાગરિક અનેક ગુના કરે, પરંતુ દેશને વફાદાર હોય તો તેને citizen (નાગરિક) તરીકેની સવલતો રાજ્ય આપશે, ભલે તેને ગુનાની સજા પણ કરશે. અપરાધી નાગરિકને રાજ્ય દંડ કરે છે, સાથે-સાથે તેની સંભાળ પણ લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org