________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૦૫ તે આત્મામાં વપન કરી દીધું. અર્થાત્ તેનામાં સમ્યગ્દર્શનગુણ સાથેના જ્ઞાન અને ચારિત્ર ગુણ પણ અલ્પ પ્રમાણમાં વિકસ્યા. આવી રીતે એક જ દેશનામાં પ્રારંભિક રત્નત્રયી પામનારા જીવો પણ બહુ જ ઓછા હોય છે, પ્રાયઃ કરીને વર્ષો સુધી સદ્ગુરુઓ પાસે જિનવાણીનું શ્રવણ
ભક્તિ-ઉપાસના આદિ અનુષ્ઠાનો કર્યા પછી જ આવા ગુણો પામતા હોય છે. પ્રારંભિક રત્નત્રયીની પ્રાપ્તિ પણ દીર્ઘ અભ્યાસથી પામનારા જીવનું આ દૃષ્ટાંત નથી, પરંતુ ત્યારબાદની ભૂમિકાઓને સમજવા આ દૃષ્ટાંત ઉપયોગી છે. નિર્નામિકાની બુદ્ધિ હવે સમ્યગ્દર્શનથી નિર્મળ થયેલી છે. તેને જ્ઞાનીએ જેવો સંસાર દુઃખમય-અસાર કહ્યો તેવો દેખાવા લાગ્યો. તેનું પોતાનું દુઃખ હળવું થઈ ગયું. તેને જીવનમાં દુર્ભાગ્યના ઉદયથી જે દુઃખો-કષ્ટો છે, તેનો હવે બહુ વસવસો રહ્યો નથી. આ કન્યા ઘરેથી ડૂસકાં ખાતી, નિરાશ વદને, દીન વદને નીકળેલી; પરંતુ દેશના સાંભળ્યા પછી પાછા ઘરે જતાં ધોમધખતા તાપમાં, માથે લાકડાનો ભાર હોવા છતાં પ્રસન્ન મનવાળી છે. અપૂર્વ ધર્મતત્ત્વ પામ્યાનો આનંદ છે. જેનામાં ધર્મની તત્ત્વબુદ્ધિ આવે તેનાં સેંકડો દુઃખ ત્યાં ને ત્યાં જ હળવાં થઈ જાય એવો ધર્મનો પ્રભાવ છે. તમને પણ તત્ત્વબુદ્ધિ પેદા થશે તો તમારા જીવનમાં મનોભાવો બદલાઈ જશે. નિર્નામિકાને બુદ્ધિમાં બેસી ગયું કે મારું દુઃખ તો સાવ નગણ્ય જ છે, અને કદાચ આ દુઃખ ન હોય પરંતુ સાનુકૂળ સંયોગો હોય, તોપણ તેને ભૌતિક સુખોમાં કોઈ કસ લાગતો નથી. જેને સંસારનું સુખ અસાર લાગે એની દષ્ટિ બદલાઈ જાય. પછી તેને તીવ્ર મોહ-આકર્ષણનું કોઈ નિમિત્ત સંસારમાં રહેતું નથી. તેને હવે મા ધમકાવે, કુટુંબીઓ જાકારો આપે, લાગણી-સન્માન ન મળે તોપણ બહુ દુઃખ લાગતું નથી. ધર્મનું બળ, ધર્મની હૂંફ મળી ગઈ છે. તેના પ્રભાવે પ્રસન્નતાથી રહી શકે છે. ધર્મમાં પ્રગતિરૂપે શ્રાવકધર્મની આરાધના કરે છે. જીવ તેનો તે જ છે, થોડા સમય પહેલાં તેના દેદાર જુઓ તો દીન, અનાથ, અત્યંત કરુણાને પાત્ર લાગે; પરંતુ ધર્મ પામ્યા પછી દીનતા ચાલી ગઈ. બાહ્ય સંયોગો બદલાયા નથી. ઘરમાં અણમાનીતિ હતી તે માનીતિ નથી થઈ, સમાજ કે લોકમાં તેના આદર-સત્કાર, ભોગ, સુખ-સગવડની સામગ્રી, વૈભવ વધ્યા નથી. માત્ર તેનું મન બદલાઈ ગયું. સાચો ધર્મ પામો, હૃદયને સ્પર્શી જાય તો તત્કાલ ધર્મપ્રાપ્તિનું ફળ અહીં જ દેખાય. પરલોકમાં જ નહીં, આ ભવમાં જ પલટો આવી જાય. ધર્મ તમને જીવનમાં ગમે તેવી crisisમાં (કટોકટીમાં) પણ જે હૂંફ આપશે તે તમારો નિકટનો સ્વજન-સ્નેહી પણ નહીં આપી શકે. આંતરિક શાંતિ ધર્મ જ આપશે. દુ:ખમાં કે સુખમાં મનને સમાધિમાં રાખવાની ધર્મની પ્રચંડ તાકાત છે. માત્ર ધર્મ હૃદયમાં આરપાર ઊતરવો જોઈએ. નિર્નામિકાને તે ઊતરી ગયો. શ્રેયાંસકુમાર બન્યા ત્યારે તો તેમનો આત્મા ગુણોનો ભંડાર છે, પરંતુ ત્યાં પહોંચવા માટેની પૂર્વભૂમિકા અહીં રચાઈ.
કેવલી ભગવંતે પ્રતિબોધ કરી નિર્નામિકાના માનસનો પલટો લાવી દીધો; પરંતુ ત્યારબાદ વર્ષો સુધી સમ્યગ્દર્શન આદિ તે ગુણોના ભાવો નિર્નામિકાએ શ્રાવકાચારની આરાધના દ્વારા ટકાવ્યા છે. પ્રતિદિવસ દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ આદિ આરાધના કર્યા કરે છે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org