________________
અસ્તિ-નાસ્તિરૂપ, નિશ્ચય-વ્યવહારરૂપ અનેકાંતના મર્મને સમજીને જો અર્થ કરે તો શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામી જાય.
૬. સ્વતંત્રતા અને સુખ ઃ
હે જીવો ! જો તમે તમારી સ્વતંત્રતા અને સુખ ચાહતા હો તો પરના આશ્રયે મારું સુખ છે એવી માન્યતા છોડો. પર વસ્તુ પર મારી સત્તા ચાલે છે એવી માન્યતા છોડો. ‘મારા સુખનો કોઈ પર સાથે સંબંધ નથી, હું બધાય પર પદાર્થોથી છુટો છું, મારા જ્ઞાન સામ્રાજ્યમાં મને વિઘ્ન કરનાર કોઈ નથી, અને હું મારા જ્ઞાન સામ્રાજ્ય વડે બધા પદાર્થોને જેમ જાણું છું, તેમ જ તેમાં થાય છે.’ આવી યથાર્થ ઓળખાણપૂર્વક પરાશ્રય ભાવ છોડીને સ્વાશ્રય ભાવમાં ટકું તે જ સ્વતંત્રતા છે, તે જ સુખ છે.
Ο
સ્વતંત્રતા તેને કહેવાય કે જેમાં પોતાના સુખ માટે કોઈ બીજાના આશ્રયની જરૂર ન પડે, પણ પોતે જ સ્વાધીનપણે સુખી હોય; અને પોતાનું સ્વાધીન સુખ એવું હોય કે જેને કોઈ પણ સંયોગો હાનિ ન પહોંચાડી શકે ! એવો સ્વાધીન સુખરૂપ તો આત્મસ્વભાવ છે. તે સ્વાધીનતા કોણ મેળવી શકે? અને પરાધીનતાની ગુલામી કોણ તોડી શકે ?
મારું સુખ મારા આત્મામાં છે, કોઈ પણ સંયોગોને આધીન મારું સુખ નથી, પણ મારું જ્ઞાન જ સ્વયમેવ સુખ-શાંતિમય છે એમ જેને પોતાના જ્ઞાન સ્વભાવની ઓળખાણ અને શ્રદ્ધા હોય તે સ્વાધીનતા મેળવી શકે. જેને આવા પોતાના જ્ઞાન સ્વભાવની ઓળખાણ ન હોય તેવા અજ્ઞાની જીવો ‘મારું સુખ પર વસ્તુના આધારે છે, અને પર સંયોગો અનુકૂળ હોય તો જ મારું સુખ ટકી શકે’ એમ માને છે; એટલે તેઓ સંયોગોના ગુલામ છે, તેઓ સ્વાધીન આત્મ સ્વભાવને નહિ જાણતા હોવાથી કદી પણ સ્વતંત્રતા પામતા નથી. પોતાના સુખ માટે પરાશ્રયપણું માનવું તે જ મહાન ગુલામી છે, અને તેનું જ અનંત દુ:ખ છે. એ ગુલામી જીવ અનાદિથી કરતો આવે છે અને તે જ દુ:ખનું કારણ
છે.
એ ગુલામી જીવે પોતે પોતાના જ્ઞાન-આનંદ સ્વભાવને ભૂલીને ઊંધી માન્યતાથી સ્વીકારી છે. તેથી જ પોતે જ એવા દ્રવ્ય સ્વભાવની સાચી ઓળખાણથી તે ગુલામીના બંધનને તોડી શકે છે. પણ તેને ગુલામીના બંધનમાંથી મુક્ત કરનાર કોઈ બીજો નથી.