________________
૨૫
આ જ્ઞાયકપુંજ પ્રભુ આત્માનું જ્ઞાન કરવાથી તેના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બહાર આવે છે. અને જે આ જ્ઞાનની પર્યાય બહાર આવી તેવું જ આખું સ્વરૂપ જ્ઞાનમય છે. જો કે જ્ઞાનની અવસ્થા થઈ તે જ્ઞાનની પર્યાય ત્રિકાળની અપેક્ષાએ છે તો ભેદ. પણ તેનો રાગ તરફનો ઝુકાવ નથી. કેમ કે રાગનું જ્ઞાન થયું છે એ તો સ્વના ઝુકાવવાળી પર્યાયમાં થયું છે. એ કારણે તે પર્યાયને પણ અભેદ કહેવામાં આવે છે. પણ તેથી કરીને પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘૂસી જાતી નથી. પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે એ જ્ઞાયકનું જ્ઞાન થયું અને રાગનું પણ જ્ઞાન થયું. પણ એ તો પોતાની પર્યાયથી છે. પર્યાય પર્યાયમાં રહે છે, દ્રવ્ય દ્રવ્યમાં રહે છે. છતાં દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. અર્થાત્ આ પૂર્ણાનંદપ્રભુ આત્મા છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે. પણ એ વસ્તુ પર્યાયમાં આવી જતી નથી. જૈન દર્શન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ભાઈ ! આ સમજવા જેવું છે.