________________
એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઈ જાય છે. એક અખંડ આત્મા શાયકઃ આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંત ગુણો, તેની અનંત પર્યાયો અને લોકાલોકને જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞા શક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની કાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણ જ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે.
ભગવાન આત્માનું કોઈ અદ્ભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિથાય એવી કર્મ શક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળ દશા પ્રગટ થાય એવા સાધન ગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાન શક્તિથી પૂર્ણ છે, ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે.
આત્માના પૂર્ણ સ્વરૂપને જોનારી જે દષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. શુદ્ધ નયને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન, ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે. શુદ્ધ નયને આધીન ભિન્ન આત્મજ્યોતિ અનુભવમાં આવે છે. સેવન એકનું જ (આત્માનું) કરવું. આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ સાધ્યસાધક ભાવના ભેદથી બે પ્રકારે, એક જ નિત્ય સેવવા યોગ્ય છે, તેનું સેવન કરો.