________________
૧૮૯
૩. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યપ્ચારિત્રની એકતારૂપ રત્નત્રયી મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી રત્નત્રયી એ એક જ મોક્ષમાર્ગ છે.
૪. ધર્મ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ, જીવન ધર્મમય થવું જોઈએ. ધર્મ તો પ્રતિ સમય જ થાય છે. ૫. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગ ભાવરૂપે છે. આત્મામાં મોહરાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને એ ભાવોનો અભાવ અહિંસા છે. ધર્મ બહાર નથી, આત્માનો ધર્મ આત્મામાં જ છે.
૬. શુદ્ધપયોગ જ ઉપાદેય છે. અને શુભોપયોગ (પુણ્યની પ્રકૃત્તિ) અને અશુભોપયોગ (પાપની પ્રકૃત્તિ)ની જેમ જ હોય છે. બંને બંધના કારણ છે. પુણ્યથી ધર્મ ન થાય. પુણ્ય કરતાં કરતાં ધર્મ ન થાય. રાગરૂપી વ્યવહારથી ધર્મ ન થાય. આત્માનું હિત ન થાય. વ્યવહાર કરતાં કરતાં પણ નિશ્ચયરૂપ ધર્મ ન થાય. આત્માનું હિત એ જ એક ધર્મનું પ્રયોજન છે.
૭. આ જીવ શુદ્ધ આત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ પોતે શુદ્ધાત્મ ભાવનાને છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માનીને સ્થૂલ પરસમયરૂપી પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદષ્ટિ થાય છે. માટે શુદ્ધ આત્મભાવના વારંવાર કરવાથી એ પ્રકારના સંસ્કાર પડશે.
૮. એક તરફ સ્વભાવ છે-દ્રવ્ય સ્વભાવ છે. બીજી તરફ રાગ થાય એવા નિમિત્તો-પુદ્ગલ પદાર્થો છે. બંનેની વચ્ચે જ્યાં કાર્ય થાય છે એ પર્યાય સ્વભાવ છે. તેમાંથી જેની દૃષ્ટિ સ્વભાવ -દ્રવ્યસ્વભાવ તરફ વળી એ સ્વભાવ સન્મુખ થતાં આત્મામાં લીન થતાં, આત્માનો અનુભવ કરી તેના આનંદના સ્વાદ ચાખે છે. જેની દૃષ્ટિ પર તરફ છે-તે ત્યાં એકત્વ કરી રાગ-દ્વેષ કર્યા વગર રહેતો નથી એ અધર્મ છે.
૯. ‘રુચિ અનુયાયી વીર્ય’ એ સૂત્ર છે. જે તરફ રુચિ હોય-જેની જરૂરીઆત લાગે તે તરફ સહજ પુરુષાર્થ વળે છે. તો પ્રથમ રુચિનો પલટો થવો જોઈએ. રાગની રુચિ છૂટી આત્મસ્વભાવની રુચિ થતાં સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન થાય છે.
૧૦. સમ્યગ્દર્શન થયા પછી જેટલા અંશે રાગ છે-તે ક્રમે ક્રમે કરીને ઉદય પ્રસંગોએ આત્મામાં સ્થિરતા કરતાં-લીનતા કરતાં રાગ તૂટવા માંડે છે.