________________
૧૮૭
જે પર્યાય એની દૃષ્ટિ કરી એમાં લીન-સ્થિત થાય છે તે પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ પ્રગટ થાય છે. આત્માનો અનુભવ થાય છે-આ જ જૈન ધર્મ છે અને આ જ ધર્મની રીત છે. ધર્મની શરૂઆત અનુભવથી થાય છે.
સૌથી અગત્યનું આવા જ્ઞાયકનો મહિમા આવવો જોઈએ. આ લોકમાં મારા શુદ્ધાત્મા જેવો ઉત્કૃષ્ટ પદાર્થ બીજો કોઈ નથી. નિજ સ્વરૂપનો, નિજના અનંત ગુણોનો, નિજની અનંત નિધીનો મહિમા-પ્રમોદ આવવો જોઈએ. પ્રમોદ, પરિચય, પ્રિતી, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ એને પ્રાપ્ત કરવાનો ક્રમ છે. જીવની અનાદિની
ભૂલ:
૧. ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત....!' અનાદિકાળથી આ જીવે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કોઈ દિવસ જાણ્યું નથી, માન્યું નથી, તેમાં રમણતા કરી નથી. આ જ સ્વરૂપની યથાર્થ સમજણની ભૂલ અનંત દુ:ખનું કારણ છે.
૨. જીવના દુ:ખના ત્રણ કારણો છે. સ્વરૂપ સંબંધી
(૧) અજ્ઞાનતા (૨) મિથ્યા માન્યતા (૩) અસંયમ.
૩. વસ્તુ અનાદિ અનંત છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. માટે ધર્મ-વસ્તુનું જે પ્રમાણે છે તે પ્રમાણે નિરુપણ કરે છે તે પણ અનાદિ અનંત છે. તે સત્ ધર્મને ન સમજવાની જીવની અનાદિથી ભૂલ ચાલુ રહેલ છે.
૪. વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તે પોતાના પરિણમનનો પોતે જ હર્તાકર્તા છે. તેના પરિણમનમાં પર પદાર્થનો પંચમાત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ સ્વતંત્ર છે અને પોતામાં લીન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ ન સમજવાની જીવની અનાદિની ભૂલ છે.
૫. તીર્થંકર ભગવાન ધર્મની સ્થાપના કરતાં નથી. ધર્મ તો અનાદિ અનંત છે. પરંતુ ધર્મનું સ્વરૂપ સમજી, ધર્મનો આશ્રય લઈ આત્મા સ્વયં પરમાત્મા બને છે. પણ જીવ એવી ધર્મની નિધિ માનતો નથી એ તેની અનાદિની ભૂલ છે. ભગવાન જગતનો હર્તા-કર્તા નથી, પણ સર્વજ્ઞ છે. માટે પ્રત્યેક પદાર્થના પ્રત્યેક પરિણમનને યથાર્થ જાણે છે, પણ કાંઈ કરતા નથી.