________________
૧૨૧ નિર્ણય કર્યો તે પર્યાય તે શુદ્ધમાં (દ્રવ્યમાં) નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. આવો ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. તેને રાગથી કે ભેદથી પ્રાપ્ત કરવા જઈશ તો વસ્તુ-સત્ હાથ નહિ
આવે.
૩. “હવે નિર્મમ છું' - પરના કામ કરે છે એ વાત તો દૂર રહી, પરંતુ જે રાગ
વિકલ્પ થાય એનું સ્વામીપણું એને નથી. પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુદ્ગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી,માટે નિર્મમ છું. આ રાગ કર્તવ્ય છે, કરવા લાયક છે એમ જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી. એ મમતા રહિત જ છે. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુગલ તેનો સ્વામી છે એમ કહ્યું છે.
દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે. ૪. “ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ
વડે પરિપૂર્ણ (આખાપણું) હોવાથી, હું જ્ઞાન-દર્શન વડે પૂર્ણ છું. સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન; એમ દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ, પણ હું તો જ્ઞાન-દર્શન સ્વભાવી પરિપૂર્ણ વસ્તુ છું. પ્રથમ વિકલ્પ દ્વારા હું આવો છું એમ નિર્ણય કર. (૧) હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનઘન સ્વભાવપણાને લીધે એક છું.. (૨) ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. (૩) રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. (૪) જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું.
હવે કહે છે - તેથી હવે હું સમસ્ત પર દ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચલ રહેતો થકો, સમસ્ત પર દ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિક ભાવો તે સર્વનો ક્ષય કરું છું.