________________
તારા સ્વભાવ સિવાય ભાઈ! બીજે ક્યાંય તને મીઠાસ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાસમાં આવવા નહિદે. ચૈતન્યની મીઠાસમાં પરની મીઠાસ તને વિદન કરશે. માટે હે ભાઈ! સમજીને પરની મીઠાસ છોડ!
અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માહાત્મ આવવું જોઈએ. માહાસ્ય આવતાં ભાન થાય એમ છે. વીર્યમાં ઉત્સાહ અને નિઃશંકતા આવવી જોઈએ. યથાર્થ રુચિ અને લક્ષ હોય તેને સમ્યગ્દર્શન થાય જ. પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. પંચમ કાળ કઠણ છે-એમ કહી અજ્ઞાની જીવો આત્મસ્વભાવ સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે; જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડુ પકડીને તને પુરુષાર્થ કરતા રોકે છે? અર્થાત્ શું તારી સ્વ પર્યાયને કાળ કે કર્મો રોકે છે? જરા વિચાર કર. એ તો પર દ્રવ્યો છે, તે તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ ! તું પરાધીન દષ્ટિ છોડીને તારા સ્વભાવના લક્ષ પુરુષાર્થ કર. પુરુષાર્થ વડે અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. હા, એ જરૂર છે કે અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે, માટે પંચમ કાળ કહેવાય છે. ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી.
સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વ પર્યાયની લાયકાત મુજબ, પર દ્રવ્યમાં આરોપ કરીને, તેને નિમિત્ત કહેવાય છે, પરંતુ પરદ્રવ્યને અનુસરીને, ઉપાદાનની પર્યાય થતી નથી. પોતાના દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે લાયકાતમાં બીજું કોઈ કારણ નથી, પણ તે વખતનો પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે, તેવી લાયકાત તે સમયે થાય છે. - પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી, જે સમયે જેવી લાયકાત કરે, તે સમયે તેવી પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સ્વ લક્ષ ચૂકીને પર લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વ પર્યાયને ન જોતાં પર દ્રવ્યનો દોષ કાઢે છે. “પર દ્રવ્ય તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટ્યો?" એમ જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યના કારણે દોષ થયો નથી.