________________
૧ ૨.
પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪
પ્રવચન ક્રમાંક - ૩૮
ગાથા ક્રમાંક - ૪૪ પગ્દર્શન ભિન્નતાનું કારણ
ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. (૪૪) ટીકાઃ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષદર્શન પણ
તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૪).
ગુરુ શિષ્યના સંવાદનો પ્રારંભ કરતા પહેલાં પરમકૃપાળુદેવ એક મહત્ત્વની વાત કરે છે. અમે જે પ્રારંભ કરીએ છીએ, એમાં બે બાબતોનો સમાવેશ થાય છે. આમાં ષ સ્થાનકો તો છે અને છ દર્શનો પણ છે. દર્શન એટલે દૃષ્ટિ, દર્શન એટલે અભિપ્રાય, દૃષ્ટિકોણ. દર્શન એટલે જોવું, જાણવું, સ્વીકારવું. ધરતી ઉપર ભિન્ન ભિન્ન દર્શનો છે. અલગ અલગ વ્યક્તિઓએ આ પરમ તત્ત્વને – અતીન્દ્રિય તત્ત્વને અલગ અલગ રીતે જોયું છે. જેટલી પહોંચી હતી, જેટલું જ્ઞાન હતું તેનાથી તે રીતે જોયું. જેમણે ખંડ ખંડ રીતે જોયું, તેમણે ખંડ ખંડ વાત કરી અને જેમણે અખંડ જોયું તેમણે અખંડ વાત કરી. ખંડ ખંડ જેમણે વાત કરી ત્યાં મત, માન્યતા અને જુદા જુદા દર્શનો ઊભા થયાં.
અખંડ વાત જેમણે કરી તેમણે સળંગ અખંડ તત્ત્વનું દર્શન કર્યું અને તે માટે બે ભૂમિકા જોઈએ. એક સંપૂર્ણ વીતરાગતા અને બીજી બાજુ સર્વજ્ઞતા. વીતરાગતા છે ત્યાં સર્વજ્ઞતા આવે છે, અને જે સર્વજ્ઞ હોય તે અવશ્ય વીતરાગ હોય જ, અને તેથી વીતરાગતાની ઘટના પહેલી ઘટે છે, અને સર્વજ્ઞતાની ઘટના પછી ઘટે છે. વીતરાગ થયા સિવાય સર્વજ્ઞ થવાતું નથી, અને સર્વજ્ઞ બન્યા સિવાય સમગ્ર અસ્તિત્વને અખંડ સ્વરૂપમાં, દર્શનમાં, દૃષ્ટિમાં, નજરમાં લઈ શકાતું નથી. જૈન પરિભાષામાં, સમગ્ર અસ્તિત્વને સમગ્ર સ્વરૂપે જોવું તેને કેવળજ્ઞાન કહે છે. ભૂતકાળમાં જે બન્યું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યકાળમાં જે બનવાનું છે, તે તમામને એક સાથે, એક સમયમાં જોવા અને જાણવાનું સામર્થ્ય આ કેવળજ્ઞાનમાં છે. આ ૧૪ બ્રહ્માંડમાં-૧૪ રાજલોકમાં જેટલાં શેયો છે, જેટલા જાણવા લાયક પદાર્થો છે, તેમની જેટલી અવસ્થાઓ છે, (પર્યાયો છે), તેમાં જેટલી ઘટનાઓ ઘટવાની છે, તેમાં કેટલા પરિવર્તનો આવવાના છે તે તમામને એક સાથે એક સમયમાં જાણવાનું સામર્થ્ય અને શક્તિ જે અવસ્થામાં છે, તેને શાસ્ત્રો સર્વજ્ઞ અવસ્થા કહે છે. એવા સર્વશે જે જોયું તે અખંડ જોયું. તેમણે પરિપૂર્ણ આ સર્વજ્ઞતાના લેવલથી જોયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org