________________
૨૬૦
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ દર્શનમોહ. ખોટું જે મનાવે તે દર્શનમોહ, અસ્તિત્વનો ઈન્કાર કરે તે દર્શનમોહ. બોધ મળ્યા પછી દર્શનમોહની મંદતા થાય છે.
દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.
દર્શન મોહ ગયો, ચૈતન્યનું જ્ઞાન થયું. માત્ર શાસ્ત્રો વાંચીને નહિ, ગ્રંથો વાંચીને નહિ, સાંભળીને નહિ, પણ દર્શન મોહ જવાથી બોધ મળ્યો. બોધ મળવાથી અંદર કામ થયું. એ દર્શનમોહ આડો આવતો હતો, તેથી ચૈતન્ય દેખાતો ન હતો. કોઈ કવિએ કહ્યું છે કે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ'. દર્શનમોહના તરણા હેઠે ચૈતન્ય મૂર્તિ ભગવાનનો હિમાલય પહાડ જે છે, તે આજે દેખાતો નથી. આવો દર્શનમોહ આજે બોધ મળવાથી ખસવા લાગ્યો, એની મંદતા થઈ, એનો ઉપશમ થયો. સૌથી પહેલી ઘટના ઉપશમથી થાય છે. દર્શનમોહનો ઉપશમ થાય તો આત્મદર્શન થાય.
આત્મદર્શન થાય એટલે આત્મા જડે છે. તે વખતે તેને ભાન થાય છે કે ઓહોહો, આ તત્ત્વ, આ આત્મા દેહથી જુદો, કર્મથી પણ જુદો, આ તત્ત્વ રાગદ્વેષથી પણ જુદું. ‘સબસે ન્યારા દેશ હમારા' બધાથી ન્યારો આત્મા છે. કેરી ઘોળી, રસ જુદો પડી ગયો, આ જલ્દી સમજાશે, કેરીમાં રસ છે પણ રસ જોઈએ તો કેરી ધોળવી પડે, દહીંમાં માખણ છે પણ તેનું વલોણું કરવું પડે, તો જ માખણ બહાર આવે. તલમાં તેલ છે, તેને પીલવા પડે, તો તેલ બહાર આવે, તેમ શરીરમાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, પરંતુ તેને ઘોળવો પડે. ધોળવાની પ્રક્રિયા તેનું નામ ભેદજ્ઞાન. પ્રજ્ઞાથી અને ભેદજ્ઞાનથી આત્મા જડ્યો, અને નક્કી થઈ ગયું કે આ જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, તે દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મથી જુદો છે, રાગ, દ્વેષ અને કષાયોથી જુદો છે; પાપ પુણ્ય અથવા શુભ અશુભ ભાવોથી પણ આ જુદો છે. સૌથી જુદો એવો જે ભગવાન આત્મા તેનો અનુભવ થયો, માહિતી નહિ, વાત નહિ, વર્ણન નહિ, માત્ર શબ્દ જ્ઞાન નહિ, તેનાથી દૂર રહેવાનું નહિ, આત્મા જેવો છે તેવો તેનો ટચ થઈ ગયો. આવી ઘટના ઘટી. આને કહેવાય છે સ્વાનુભવ.
જિનહી પાયા, તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં,
જેને આત્મા મળે છે તેને પછી બીજા કોઈને કહેવાની જરૂર નથી. કબીરજી પણ કહે છે હીરો પાયો, ગાંઠ ગઠિયાયો, બાર બાર વાંકો ક્યોં ખોલે ? મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે ?
રસ્તે જતાં કિંમતી હીરો કે માણેક મળી જાય તો ખીસ્સામાં નાખી ઘરભેગાં. કોઈ બતાવતું હશે કે મને હીરો મળ્યો છે ! તેમ ચૈતન્યરૂપી હીરો જડે પછી વાયડો ન થાય, કહેવા ન જાય, બતાવે કે બોલે પણ નહિ, પણ જ્ઞાની પુરુષો કરુણાના કારણે બોધ આપે, તેમની વાત જુદી છે. આવું આત્મદર્શન થયા પછી પણ કામ પૂરું થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org