________________
૧૭૮
પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ જગતની ઓળખાણ કરાવી, જગતનું ભાન કરાવ્યું, જગતનું જ્ઞાન કરાવ્યું કે જગત કેવું છે? ઈશ્વર કશું જ કરતો નથી, માત્ર હાજર. ઈશ્વર જગતનો કર્તા નથી, અને રચયિતા પણ નથી. તે જીવોના કર્મોનો કર્તા હોઈ શકે જ નહિ.
તમે એમ ન કહેશો કે આ જૈનોની માન્યતા છે. જૈનોની કોઈ માન્યતા નથી. જૈન તો એને કહેવાય, જે સત્યનું સંશોધન કરે, સત્યની ગવેષણા કરે, સાચું જે હશે તે જ ઈશ્વર કહે છે. કેમ? ઈશ્વર શુદ્ધ સ્વભાવ', તો ઈશ્વરનો પરમાત્માનો સ્વભાવ તો શુદ્ધ છે. શુદ્ધ સ્વભાવ માટે શબ્દ છે વીતરાગ સ્વભાવ. પરમાત્મા વિતરાગ છે. રાગદ્વેષથી મુક્ત છે. મોહથી અને અજ્ઞાનથી પણ મુક્ત છે. પરમાત્મામાં અજ્ઞાન નથી, રાગદ્વેષ નથી. તો પરમાત્મા શું છે ? પરમાત્મા વીતરાગ છે, અને અનંતજ્ઞાનથી ભરેલા છે. આવા હોવાના કારણે પરમાત્મા શુદ્ધ છે. અને શુદ્ધ હોવાના કારણે પરમાત્મા પ્રેરણા આપી ન શકે. આવો ઈશ્વર જો પ્રેરણા આપે તો ઈશ્વરમાં પણ દોષ ઉત્પન્ન થાય. આપણને એમ થાય કે જો પ્રેરણા આપવી જ હોય તો સારી આપે, ક્ષમા કરવાની પ્રેરણા આપે, ક્રોધ કરવાની પ્રેરણા શું કરવા આપે? ગુરુદેવ કહે છે શુદ્ધ આત્મ સ્વભાવ જેનો છે તે ઈશ્વર સારી કે નરસી કશી જ ઉપાધિમાં પડતા નથી. જંજાળમાંથી મુક્ત થવાની વાત જ્ઞાની પુરુષોએ કરી. આટલા બધા જીવોની જંજાળમાં ઈશ્વર જો ઝંપલાવે, તો શું લાગે છે તમને ? થોડો વિચાર તો કરો. આપણે નાની જંજાળમાંથી મુક્ત થવાની વાત કરીએ છીએ, તો ઈશ્વર શું આખા જગતના જાતજાતના નમૂનાઓને સંભાળવાની ઉપાધિ કરે ? બધાને સાચવવા, સમજાવવા, ઠેકાણે પાડવા કંઈ ઓછી ઉપાધિ છે? ઈશ્વર આ શા માટે કરે ? છતાં પણ તમે કહો કે ઈશ્વર પ્રેરણા આપે છે તો પ્રેરણા આપનાર ગુનેગાર બને છે. આપણી પાસે ત્રણ શબ્દો છે. કરવું, કરાવવું અને કરતોને અનુમોદન આપવું. અનુમોદન કરવું એટલે કોઈ કોઈને મારતો હોય તો તેને ઉત્સાહ આપે અથવા મનમાં માને કે “ઠીક હો રહા હૈ” આ અનુમોદન કર્યું કહેવાય. આમાનું કંઈ જ ઈશ્વર કરે નહિ. ઈશ્વર કંઈ જ કહેતો નથી અને કરતો પણ નથી. ઈશ્વરને દોષનો ભાગીદાર ન બનાવશો. ઈશ્વર તો વીતરાગ છે, શુદ્ધ છે, મોહથી મુક્ત છે, અનંત જ્ઞાનમય છે, માટે ઈશ્વર કર્મ કરવાની પ્રેરણા આપે છે, તેમ ન કહેવાય. આટલી વાત કરી છેવટનો સિદ્ધાંત સગુરુને આપવો છે. જેનો વિચાર હવે પછીના પ્રવચનમાં થશે. સિદ્ધાંત એમ કહે છે કે,
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. મોક્ષ માટે કંઈ લાંબી વાત કરવાની જરૂર નથી. આ ૭૮ મી ગાથામાં મોક્ષનું સંક્ષિપ્ત સૂત્ર છે. લોકો તો કેટલાયે પ્રશ્નો પૂછે છે કે મોક્ષ કેવી રીતે મળે ? પહેલાં તો એ પૂછે કે આ કાળમાં મોક્ષ મળે? પછી કહે કે શાસ્ત્રો તો કહે છે કે આ કાળમાં ન મળે. ઘણા બધા પ્રશ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org