________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૧
ચણવી છે, તેને પહેલાં નિર્ણય કરવો પડશે કે આ આત્મા ક્યાં સુધી રહેવાનો છે ? સમજાય છે ? કોઈ મહેમાન આપણે ત્યાં આવે તો અંદરખાને જાણી લેવું પડે કે ક્યાં સુધી રહેવાના છે ? જેટલા દિવસ રહેવાના હોય તે પ્રમાણે તૈયારી થાય. કેટલા દિવસ રહેશે તે જાણી લેવું પડે છે. તેમ આત્મા ક્યાં સુધી છે ? કેટલું રહેવાનો છે ? એક વાત. એ કઈ રીતે ઉત્પન્ન થયો તે બીજી વાત અને કેવી રીતે બન્યો તે ત્રીજી વાત. તે બધું જાણવું પડે. કોઈ કહે કે આત્મા ઉત્પન્ન થયો તો શેમાંથી ઉત્પન્ન થયો ? બનાવ્યો તો કોણે બનાવ્યો ? અને આ આત્મા ક્યાં સુધી રહેવાનો છે ? તે પણ અમારે જાણવું છે. જો આ શરીર છે ત્યાં સુધી રહેવાનો હોય અને શરીર બળ્યા પછી એ પણ અગ્નિમાં સાથે બળવાનો હોય તો સાહેબ ! આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. પરંતુ એવું જો હોય કે જન્મ પહેલાં પણ તે હતો અને મૃત્યુ પછી પણ તે હશે તો મહેનત કરવી બરાબર.
તમે જનમતા નથી પણ દેહમાં આવો છો. તમે મરતા નથી પણ દેહ છોડો છો. તમે દેહમાં આવો છો અને દેહમાંથી જાઓ છો. વાત તો એ જ સાચી છે. જનમ્યો એટલે દેહમાં આવ્યો અને મર્યો એટલે દેહ છોડ્યો. કંઈ નવું થયું નથી. તેને કંઈક કર્મોનાં ફળ ભોગવવાનાં છે, જગતનાં લેણદેણ પતાવવાનાં છે. તેણે કંઈક કર્યું છે. એ જે કંઈ કર્યું છે તેનો બદલો તેને મળવાનો છે, તેનું ફળ ભોગવવાનું છે માટે દેહમાં આવ્યો છે. એ દેહમાં આવ્યો છે પણ નવો જનમ્યો નથી. એ દેહમાં આવ્યો છે પરંતુ નવો ઉત્પન્ન થયો નથી. આત્મા જનમતો નથી. આત્મા દેહમાં આવે છે પણ ઉત્પન્ન થતો નથી. એ આત્મા કાયમ હોય છે, નિત્ય હોય છે. જો મૃત્યુ સાથે, એટલે દેહના મૃત્યુ સાથે આત્માનો પણ નિકાલ થઈ જતો હોય તો કોણ જન્મ લેશે ? અને પછી તો એમ થાય કે જો આ દેહ સાથે જ આત્માનું મૃત્યુ થતું હોય તો જીવનમાં જે કર્મો કર્યાં છે, તે કર્મો કોણ ભોગવશે ? છગનભાઈ કરશે અને મગનભાઈ ભોગવશે ? આ તો એવું થયું કે ખાય દુર્યોધન અને ખાવાનું પચાવે શકુનિ મામા ? જે ખાય તે જ પચાવે. જે કરે છે તેને જ ભોગવવું પડે છે, પણ ભોગવનાર નિત્ય હોય તો જ ભોગવી શકે.
શિષ્ય પૂછે છે કે ગુરુદેવ અમારે જાણવું છે કે આ આત્મા છે તેમ તમે કહો છો પણ તે ક્યાં સુધી રહેવાનો છે ? અને ઉત્પન્ન થયો તો શેમાંથી થયો ? બન્યો તો કોણે બનાવ્યો ? કાચો માલ કયો ? રોટલી બની તો ઘઉંમાંથી બની અને ખીચડી બની તો દાળ ચોખામાંથી બની. શીરો બન્યો તો ઘી, ગોળ અને આટામાંથી બન્યો. તો આત્મા બન્યો શેમાંથી ?
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ,
દેહયોગથી ઉપજે, દેહવિયોગે નાશ.
અત્યંત મહત્ત્વની આ ગાથા છે, ગુરુદેવ ! આત્મા છે તેનો સંભવ થયો, કરીબ કરીબ હમ માનતે હૈં, તમે જે સિદ્ધાંતો, સૂત્રો આપ્યાં, જે વર્ણન કર્યું, તેના ઉપરથી આત્મા હોવો જોઈએ તેમ લાગે છે. તમારી વાત સાંભળી, અંતરમાં એકાગ્ર બની અમે વિચાર કર્યો, તે વિચાર કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org