________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૧ બધી જ તત્ત્વની વાતો બાજુ પર મૂકી, બહુ સાદી અને સરળ ભાષામાં, સ્વાભાવિક વાત કરે છે કે શંકા જેને થાય છે તે પોતે જ પોતાની શંકા કરે છે. મફતલાલને રાતે ઊંઘમાં સપનું આવ્યું કે મારું મૃત્યુ થયું. તે ઊંઘમાં ખૂબ રડ્યો. તેની પત્નીએ પૂછ્યું કે તમે કેમ રડો છો ? તો તે જાગી ગયો અને કહે કે મફતલાલ-હું મરી ગયો. પત્ની કહે, તમે તો આ મઝાના જીવતા જાગતા છો. તો આ શંકા કોને થઈ ? ઊંઘમાં થયું કે હું મરી ગયો? આ કહેનાર કોણ? અને જાગૃત અવસ્થામાં હું છું તેમ પણ જાણનાર કોણ? અરે, તું વિચાર તો કર કે તું તો પ્રત્યક્ષ જ છો. તને જાણવા જવાની જરૂર નથી. આત્મા નથી તેમ કહેનારો કોઈ જ ન હોય તો વાક્ય નીકળે જ શેનું? અરિસામાં પ્રતિબિંબ દેખાય, ઘડો દેખાય, કપડાં દેખાય, તેને તું માને છે પરંતુ જે જોનાર છે તેને તો માન. પ્રતિબિંબ દેખાય છે, તેને છે એમ હું માને છે પણ તેને જોનાર તો કોઈક હશે ને? જોનારને માનતો નથી તે કેવી વાત? આ ભારે ટકોર કરી છે. સમજો કે આપણું જ્ઞાન એક અરિસો છે, અને જ્ઞાનની ક્ષમતા એટલે શક્તિ એવી છે કે કેવળજ્ઞાન થાય ત્યારે ૧૪ રાજલોકમાં રહેલા તમામ પદાર્થો, જ્ઞાનમાં એકી સાથે જણાય. એ જ્ઞાનમાં જણાતા પદાર્થોને માને છે અને જાણનાર અરૂપી છે, પણ તે છે તેને કેમ માનતો નથી ? અમને ઘણું આશ્ચર્ય લાગે છે.
એક કારણ સમજીએ, વાત જરા સમજી લેવા જેવી છે. ધીરજથી સમજો. આત્માનો જ્ઞાનગુણ છે ખરો પરંતુ તે ગુણ જગતના બાહ્ય પદાર્થોને પ્રકાશવામાં રોકાઈ ગયો છે. આપણું જ્ઞાન બાહ્ય પદાર્થને જોવામાં એટલું બધું રોકાઈ ગયું છે કે પ્રથમ તો પોતાને જાણવાનો અવકાશ જ રહેતો નથી. જ્ઞાન તો કામ કરે જ છે, પરંતુ સમગ્ર જ્ઞાન બહારનું બધું જાણવામાં રોકાયું છે. મચ્છર શરીર પર બેઠો, એ ખબર પડે, એ કરડ્યો તે પણ ખબર પડી. કપડાં ગંદાં છે એ પણ ખબર પડે, હીરા માણેક સારાં છે એ પણ ખબર પડે, આમ આપણું સમગ્ર જ્ઞાન બહારની વસ્તુ જાણવામાં જ રોકાયેલું છે. બહારનું પૂછવામાં આવે તો તમે ઘણું બધું જાણો છો, ઓછું જાણતા નથી. રોજ નવી નવી વાતો તમારા મગજમાં ઊતરતી જાય છે, લખાતી જાય છે. આજે તો એટલું બધું બહારનું જાણવામાં જ્ઞાન રોકાયેલું છે કે તે જ્ઞાન જ્ઞાતાને જાણતું નથી, માટે કહે છે આત્મા નથી. પોતાના અસ્તિત્વની શંકા તમને જે ઉપસ્થિત થાય છે તેનું કારણ તમારા જ્ઞાનને તમને પોતાને જાણવા માટેનો અવકાશ રહેતો નથી. જ્ઞાન જગતને જાણવામાં રોકાયું છે, માટે તું આત્મા નથી તેમ કહે છે. આ જ્ઞાનની જ ભૂલ છે.
એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, વચમાં ઈલેક્ટ્રીકનો થાંભલો આવ્યો, ભટકાઈ ગયો, સવારના દસ વાગ્યા હતા, આકાશમાં સૂર્ય ઊગ્યો હતો, આંખો બરાબર હતી પણ ભટકાઈ ગયો, ઢીમડું થયું, ઘરવાળીએ પૂછ્યું કે “આ શું થયું?' તો કહે ઈલેક્ટ્રીકના થાંભલા સાથે અથડાયો. ઘરવાળી કહે, “ક્યાં ડાફોળીયા મારતા હતા ? ધોળે દિવસે થાંભલો ન દેખાયો?' તેનું જ્ઞાન બીજા કશામાં રોકાઈ ગયું હતું. આ ડાફોળીયા મારવા તે પાંચ દસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org