________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૯ અનંતકાળ ચાલશે. જો આત્મા જાગશે તો આ ખેલ સમાપ્ત થશે. પુદ્ગલ તો રહેશે, આત્મા પણ રહેશે, પણ રમતનો અંત થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. આ મોક્ષની પ્રાપ્તિ કરવા જીવનમાં ધર્મની સાધના કરવાની છે. એની પહેલાં નક્કી કરો કે તમારે મોક્ષ જોઈએ છે? જીવો મોક્ષમાં ગયા પછી પાછા આવી શકતા નથી. ત્યાં પેપ્સી કોકાકોલા નહિ મળે. સગાંવહાલાં કે સાટું કોઈ નહિ મળે. પરંતુ મોટો લાભ એ છે કે ત્યાં દુઃખ નહિ હોય, આનંદ આનંદ હશે.
આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ, પુદ્ગલનો સ્વભાવ રૂપ અને રસ. તેના નિમિત્તે આવ્યું અજ્ઞાન એટલે અશુદ્ધજ્ઞાન. અજ્ઞાન અવસ્થામાં સુખ મેળવવા માટે પુગલ કે જડ ઉપર દૃષ્ટિ ગઈ. પુદ્ગલ બોલતું નથી, જો તે બોલતું હોત તો કહે કે “સાહેબ! તમે ખોટી જગ્યા ઉપર આવ્યા. તેમને અમે સુખ નહીં આપી શકીએ, કારણ અમારી પાસે હોય તો તમને આપીએ ને? અમારા સ્વભાવમાં સુખ અને આનંદ છે જ નહીં. તમે અમારી પાસેથી સુખ કે આનંદની અપેક્ષા રાખો એ મેળ ક્યાંથી પડે'. પુગલમાં સુખ નથી આવો નિર્ણય જ્યારે થશે તે વખતે તમારા કાન ઉપર વીતરાગ પરમાત્માની વાણી આવશે કે આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે. આવી ઉદ્ઘોષણા કરનાર તીર્થંકર પરમાત્મા છે. આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે. માટે આનંદ મેળવવો હશે તો આત્મા પાસે જવું પડશે. એ આત્મા પાસે જવાની પ્રક્રિયાનો પ્રારંભ તેને કહેવાય છે ધર્મ, એને કહેવાય છે ધ્યાન, એને કહેવાય છે સાધના. પુદ્ગલ પાસેથી સુખ દુઃખ મેળવવાનો ભરોસો છોડી દેવો પડશે. તમને હાફુસ કેરી જોઈએ છે, બાવળિયા પાસે ઊભા છો આજે નહીં તો કાલે કેરી મળશે. અરે, ભલા માણસ તું પૂરો થઈ જઈશ તો પણ કેરી નહીં મળે. તેમ પુદ્ગલ પાસે સુખ નથી છતાં વારે વારે પુદ્ગલ પાસે સુખ માટે દોડી જવું તે છે રાગ અને સુખ માટે, આનંદ માટે પુદ્ગલનો ભરોસો છોડી દેવો તેને કહેવાય છે વૈરાગ્ય. પુગલ પાસે સુખની જે અપેક્ષા રાખીએ છીએ, તે છોડી દેવી પડશે. અને એ અપેક્ષા જે વખતે છૂટશે તે વખતે જે અવસ્થા પ્રાપ્ત થશે તેને કહેવાય છે વૈરાગ્ય.
છેલ્લી વાત, આ જગતના પદાર્થોની સુવિધા મળે, અનુકૂળ જીવન ગોઠવાય. જોકે સુવિધા આત્માને નહિ પણ શરીરને જોઈએ છે. ગરમી શરીરને લાગે છે, ગરમી આત્માને લાગતી નથી. આ ગરમી લાગે એટલે ખોળિયા માટે એ.સી. જોઈએ છે. ઠંડી લાગે એટલે કાશ્મીરી શાલ જોઈએ છે. બિચારો આત્મા તો અંદર છે અને સુવિધાઓ શરીરને જોઈએ છે. માટે કહ્યું કે પુગલ નિમિત્ત બને છે અને પુદ્ગલને નિમિત્ત બનાવી આત્મા રાગદ્વેષ કરે છે. માટે પરમકૃપાળુદેવે મહત્ત્વની વાત કરી કે,
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) આ પ૭ મી ગાથા અહીં પૂરી થાય છે. આવતી કાલે ગાથા ૫૮ લઈશું.
ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org