________________
૬૮
પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ અમારે કંઈ જરૂર ન હતી પરંતુ પૂછ્યું કે આમ કેમ? તો કહે સાહેબ, હજી નક્કી થતું નથી કે
ક્યાં મૂક્વો? એક કહે છે અહીં મૂકો, બીજો કહે છે અહીં મૂકો. બધાના મત જુદાં જુદાં છે, નિર્ણય થતો નથી ત્યાં સુધી આ શેરીનાં કુતરાઓને આ સોફાનો લાભ મળે છે. તમારા ઘરમાં તમારું ચાલે નહિ ? તમારી સત્તા નહિ ? દેહ ઉપર તમારી સત્તા છે, ઈન્દ્રિયો ઉપર તમારી સત્તા છે, પ્રાણ ઉપર તમારી સત્તા, મન ઉપર પણ તમારી સત્તા છે, છતાં તમે લાચારી ભોગવો છો કે શું કરીએ ? ઈન્દ્રિયો અમારા કાબૂમાં નથી, આંખ કહ્યું કરતી નથી. અરે ! ભલા માણસ! વિચાર તો કર, આ આંખમાં તું જો નહિ ભળે તો તે કશું કરી નહિ શકે. સમજાય છે? તું જો નહિ ભળે તો એકલી આંખ જોવાનું કાર્ય કરશે નહિ. તું જો ન ભળે તો એકલા કાન સાંભળવાનું કાર્ય કરી શકશે નહિ. તું અંદર જો ન ભળે તો એકલાં પ્રાણ કામ કરી શકશે નહિ. તું ભળે છે તો કામ થાય છે, એટલે તારી જ સત્તા છે. આજે નિર્ણય કરી લો કે હવે આ શરીર ઉપર, મન ઉપર, ઈન્દ્રિયો અને પ્રાણ ઉપર આપણી જ સત્તા છે. આકરું તો પડશે કેમકે વર્ષોથી આ નોકરો સ્વતંત્ર રહ્યા છે અને એ કહે તેમ જ થાય છે. આપણી સત્તા માટે તાકાત જોઈશે. એ તાકાતને શાસ્ત્રો સંયમ કહે છે.
આંખ ઉપર આપણો કાબૂ, જોવું હોય તો જોઈએ અને ન જોવું હોય તો ન જોઈએ. પણ ન જોવું હોય તો આંખ પટપટ થાય અને જોવું હોય તો આંખ તૈયાર ન થાય તે કેમ ચાલે? શક્તિ તમારી, સત્તા તમારી અને વાપરે છે અને પાછા તમને નુકસાન કરે. કોઈપણ આવું ન ચલાવે. સમજાય છે? સત્તા તમારી, શક્તિ તમારી અને વાપરે ઈન્દ્રિયો અને મન? બંધ કોને પડે ? આત્માને પડે છે. એ કેવી અચરજની વાત કહેવાય? “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” માટે હે શિષ્ય ! તું જાણી લે. તારી સત્તા વગર એટલે આત્માની સત્તા વગર શરીર, મન, પ્રાણ જડપણે પડ્યા રહે છે. વારે વારે એ ખ્યાલમાં રાખજે કે આત્માની સત્તા અને હયાતિ વગર શરીર જડપણે પડ્યું રહેશે. ઈન્દ્રિયો અને મન પણ જડપણે પડ્યાં રહેશે. આત્માની સત્તાથી જ એ કામ કરે છે, ક્રિયા કરે છે. અને આત્માની સત્તા પામીને આ બધામાં કામ કરવાની ક્ષમતા આવે છે.
ભાઈ ! તું એમ કહે છે ને કે દેહ કેમ આત્માને જાણતો નથી? દેહ એટલા માટે જાણતો નથી કે દેહ જડ છે અને તે આત્માની સત્તા વડે જ કામ કરે છે. ઈન્દ્રિયો પોતે કામ કરતી નથી પરંતુ તે આત્માની સત્તાથી કામ કરે છે. પ્રાણ આત્માને જાણતો નથી કેમકે પ્રાણ પોતે આત્માની સત્તાથી કામ કરે છે. તું એમ કહે છે ને કે મનથી આત્મા કેમ જણાતો નથી? તો મન આત્માની શક્તિથી જ કામ કરે છે. તો આત્માની સત્તા વડે જ આ બધા પ્રવર્તે છે. માટે દેહ ઈન્દ્રિયો, પ્રાણ અને મન આત્માને જાણી શકતાં નથી.
છેલ્લી વાત, આ ચારે ચાર સાધનો તમામ પ્રકારની શક્તિવાળાં હોવા છતાં એમનામાં બે ખામી છે. એક સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. અને બીજું આત્માની સત્તા વગર તે કામ કરી શકે નહિ. હે શિષ્ય ! તું આ બન્ને વાત જાણી લે. સમજી લે. હજુ આ વાત સ્થૂળ છે. હજુ ઊંડાણમાં જવું છે? તમે મારી સાથે આવો આપણે હજુ ઊંડાણમાં ઊતરીને સમજીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org