________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ૯ છીએ. ખરેખર તો ઈન્દ્રિયોને જ્ઞાન હોઈ શકે જ નહિ. ઈન્દ્રિયો જાણતી નથી, પણ ઈન્દ્રિયો જાણવાની પ્રક્રિયામાં મદદરૂપ સાધન બની શકે છે. સ્વતંત્રપણે ઈન્દ્રિયો જાણે એવું કદી બની શકતું નથી. આંખ દ્વારા રૂપ ત્યારે જણાય કે જ્યારે જાણનાર રૂપને જાણવાની પ્રક્રિયામાં ઢળે, તે વખતે રૂપને જાણવા ઉપયોગી થઈ પડે તેવું સાધન આંખ છે. પ્રત્યેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે એટલે પોતપોતાના વિષયોમાં ઈન્દ્રિયો નિષ્ણાત છે, ઉપયોગી થઈ શકે છે. જાણવાની પ્રક્રિયામાં સહાયભૂત થઈ શકે છે. સ્વતંત્રપણે તે જાણી શકતી નથી અને સ્વતંત્રપણે જાણવાનું કામ જે કરે છે તે આત્મા છે. આપણા જીવનમાં ૨૪ કલાક આ પ્રક્રિયા ચાલે છે. આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, નાકથી સુગંધ લઈએ, જીભથી રસ લઈએ, શરીરથી સ્પર્શ કરીએ, આ બધું જે કંઈ કરીએ તેમાં ઈન્દ્રિયો પોતાના વિષયનો સંપર્ક કરી શકે છે પણ વિષયને જાણવાનું કામ ઈન્દ્રિયો કરી શકતી નથી. એ કામ તો આત્મા જ કરે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયનું, છે આત્માને ભાન.' આ શરીરમાં ચેતન તત્ત્વવિદ્યમાન છે. અને એ ચેતન તત્ત્વ ઈન્દ્રિયો દ્વારા જુદા જુદા વિષયોને જાણે છે. અને ઈન્દ્રિયો પોતાના વિષય પૂરતું જ જાણે છે તેમ પણ કહ્યું. આંખ રૂપને જ જાણે શબ્દને નહિ, કાન શબ્દને જ જાણે, સ્વાદને નહિ. કાન જીભને એમ કહેશે કે તું જરા સાંભળ ને? તો જીભ કહેશે મારું કામ સ્વાદ લેવાનું, સાંભળવાનું નહિ. ઈન્દ્રિયો સ્વતંત્ર છે અને દરેકનો એરિયા નક્કી થયેલ છે. આંખનો એરિયા રૂપ, કાનનો એરિયા શબ્દ, નાકનો એરિયા ગંધ, જીભનો એરિયા રસ અને સ્પર્શનો એરિયા ચામડી. આ પાંચે પાંચ ઈન્દ્રિયો અલગ અલગ જાણે છે, પણ આત્મા એકલો પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયોને જાણે છે.
શિષ્ય એમ કહે છે કે હે ગુરુદેવ ! તમે કહો છો આત્મા છે, તો તે જણાય કેમ નહિ? એ કેમ દેખાતો નથી? કેમ જોવામાં આવતો નથી? ક્યાં છૂપાઈ ગયો છે? જો હોય તો આંખ સામે પ્રગટ જણાય નહિ? અમાસની રાત્રે ભૂલા પડ્યા હોય અને અવાજ થાય તો લાગે કે ભૂત છે, ડરી જવાય, પણ કોઈ જબરો માણસ હોય તો પૂછે કે કોણ છો તમે? હોય તો બોલે ને? એ પ્રમાણે આત્મા જો હોય તો જણાય નહિ ? શાસ્ત્રો કહે છે આત્મા છે. ચૌદપૂર્વ અને ૪૫ આગમો કહે છે કે આત્મા છે. પુરાણો કહે છે કે આત્મા છે, અને બીજી વાત એ પણ કરો છો કે આત્મા કંઈ બહાર ગયો નથી, વર્તમાનમાં પ્રત્યક્ષ હાજર છે. તો આત્મા જણાતો કેમ નથી.
છેલ્લી અત્યંત મહત્ત્વની વાત, ભાઈ અમે જે આત્માની વાત કરીએ છીએ તે તું આત્મા છો. વેદાંતની પરિભાષામાં “તત્વમસિ' કહ્યું. તે આત્મા છો, અમે તારી વાત કરીએ છીએ. એક તો આત્મા છે, તે શરીરમાં છે, ને તે તુ છો તેમ પણ કહ્યું. શિષ્ય કહે છે હું આત્મા હોઉં તો મને કેમ જણાય નહિ? કેમ દેખાય નહિ? ગુરુદેવ કહે છે, શિષ્ય તારી વાત સાચી છે, પણ એક સમસ્યા છે તે સમજી લે.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રી પ્રાણ, આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org