________________
અનુયોગગણાનુજ્ઞાવક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૮
૨૬૩ * “વોરિ'માં “પ'થી એ જ્ઞાપન કરવું છે કે કાળ તો પ્રવાહથી અનાદિમાન છે, પરંતુ બંધ પણ પ્રવાહથી. અનાદિમાન છે.
ટીકાર્ય :
કૃતક છેઃબંધ કોઈક વડે કરાયેલો છે, એથી કરીને અનુભવાયેલ છે વર્તમાનનો ભાવ જેના વડે એવો બંધ છે. આવા પ્રકારનો તે અનુભૂતવર્તમાનભાવવાળો બંધ, પ્રવાહથી પણ અનાદિમાન કેવી રીતે હોય? એ પ્રકારનો ભાવ છે. અહીં ઉત્તર=આ પ્રકારની શંકામાં ગ્રંથકાર ઉત્તર આપે છે – જે રીતે જ તે પ્રકારનો= અનુભૂતવર્તમાનભાવવાળો પણ, અતીત કાળ અનાદિમાન છે, તે રીતે બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
કર્મનો બંધ જીવના પ્રયત્નથી થાય છે. એથી બંધ અનુભૂતવર્તમાનભાવવાળો છે અર્થાતુ જ્યારે કોઈના પ્રયત્નથી બંધ કરાયો હતો ત્યારે તે બંધ વર્તમાનભાવને પામ્યો હતો; અને કૃતક હોવાથી બંધને અનુભૂતવર્તમાનભાવવાળો સ્વીકારીએ તો પ્રવાહથી પણ બંધને અનાદિમાન કેવી રીતે સ્વીકારી શકાય? અર્થાત સ્વીકારી શકાય નહીં. આ પ્રમાણે કોઈ શંકા કરે તો તેને ગ્રંથકાર જવાબરૂપે કહે છે –
જે પ્રમાણે અતીત કાળની દરેક ક્ષણો અનુભૂતવર્તમાનભાવવાળી છે; કેમ કે વર્તમાન ક્ષણ જ અનુભવાઈને અતીત થાય છે, તેથી અતીત કાળની સર્વ ક્ષણો ક્યારેક વર્તમાનભાવને પામેલી હોવા છતાં કાળ અનાદિમાન છે. તેથી નક્કી થાય કે અતીત કાળની દરેક ક્ષણો આદિમાન છે તોપણ તે ક્ષણોનો પ્રવાહ અનાદિમાન છે. તે પ્રમાણે કર્મનો બંધ પણ જીવ વડે કરાય છે ત્યારે તે બંધ વર્તમાનભાવને પામે છે, તોપણ તે બંધનો પ્રવાહ અનાદિમાન છે.
અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે જે વસ્તુ કરાતી હોય તે વસ્તુ અનાદિની હોય નહીં. તેથી જેમ કુંભારના પ્રયત્નથી ઘટ કરાતો હોવાથી ઘટને અનાદિનો કહી શકાય નહીં, તેમ કર્મનો બંધ પણ જીવના પ્રયત્નથી કરાતો હોવાથી બંધને અનાદિનો કહી શકાય નહીં, આમ છતાં જીવ કર્મ બાંધવાનું કાર્ય અનાદિથી કરે છે, માટે બંધ પ્રવાહથી અનાદિનો છે.
અહીં પ્રશ્ન થાય કે બંધને પ્રવાહથી પણ અનાદિમાન કઈ રીતે કહી શકાય? કેમ કે કર્મ બાંધનાર પહેલાં હોય પછી કર્મ બંધાય. આ પ્રકારની સ્થૂલદૃષ્ટિથી વિચારનારને ઉદ્ભવેલી શંકાનું અનુભવને અનુરૂપ એવા કાળના દૃષ્ટાંતથી સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –
જેમ વર્તમાનની ક્ષણ અતીત થાય છે, તેથી ભૂતકાળની સર્વ ક્ષણો ક્યારેક વર્તમાનકાળમાં હતી તોપણ કાળની ક્ષણોનો પ્રવાહ અનાદિનો વર્તે છે, તેમ કર્મનો બંધ પણ અનાદિનો વર્તે છે. તેથી ફલિત થાય કે દરેક કર્મનો બંધ જીવ વડે કરાય છે તો પણ પૂર્વે જીવ કર્મના બંધ વગરનો હતો અને પાછળથી કર્મના બંધનો પ્રારંભ થયો તેવું નથી, પરંતુ પૂર્વે કર્મથી બંધાયેલો જીવ વિપાકમાં આવેલાં કર્મોની અસરથી ફરી નવાં નવાં કર્મો બાંધે છે. આથી દરેક કર્મનો બંધ આદિમાન હોવા છતાં પ્રવાહથી અનાદિમાન છે. ૧૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org