________________
આનંદશંકર ધ્રુવ
તટસ્થ અર્થઘટન, તત્ત્વગ્રહણ અને સમન્વય એ ભારતની અતિ પ્રાચીન વિચાર પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સત્ય જિજ્ઞાસા અને શ્રદ્ધા સાથે નમ્રતા અને સૂક્ષ્મ અહિંસાવૃત્તિ રહેલી છે. સર્વગ્રાહિતા કે અખિલાઈ અહીં કૃતક આયામ નથી, પરંતુ જીવંત અને પ્રામાણિક વિચારણાની સ્વાભાવિક ગતિ છે. તત્ત્વગ્રહણ કરી વિચારણાને નવી સપાટી પર લઈ જવાનો આ વ્યાપાર છે. ભારતીય ચિંતનનું સુભગ લક્ષણ તેની અખિલાઈ અને તત્ત્વગ્રાહિતામાં પડેલું છે. આધુનિક ચિંતનમાં આ સુભગતા સ્વામી વિવેકાનંદ, શ્રી ગાંધીજી, શ્રી અરવિંદ, ડૉ.રાધાકૃષ્ણનમાં તેમજ ગુજરાતમાં આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ તેમજ પં.સુખલાલજીના ચિંતનમાં જોવા મળે છે.
આચાર્યશ્રી આનંદશંકરનું શીલ તેમની વિચારશૈલીનું પરિચાયક હતું. આ અંગે કનૈયાલાલ મુનશી લખે છે કે “સૌમ્યતા અને સંવાદ એ એમને શબ્દ અને ડગલે ઝરતા. .... સંયમ, ભાવનામયતા એ વ્યાવહારિકતાનું એમનામાં સુંદર સંમિશ્રણ હતું, વિદ્વત્તાએ તેમને શુષ્ક કર્યા ન હતા. સંયમે એમને અભિમાની બનાવ્યા ન હતા... એ સાહિત્યનો શ્વાસ લેતા. ભાગવત અને આર્યધર્મના અઠંગ અભ્યાસી હતા. એના સિદ્ધાંતો વડે અર્વાચીન પ્રશ્નો ઉકેલવા અને અર્વાચીન આચારને તેની કસોટી પર ચઢાવવો એ એમનો હંમેશનો ક્રમ હતો. સુરુચિ, શબ્દપ્રભુત્વ, સુસંબદ્ધતા અને કથનગૌરવ એમના વાકયે વાકયે દેખાતાં.” (આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ, પૃ.૬).
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવના ચિંતનનું કેન્દ્ર તેમની વિચારમાત્રની તત્ત્વગ્રાહિતા અને સમન્વય દષ્ટિ છે, જે તેમના સમગ્ર વાલ્મયમાં વ્યક્ત થાય છે. આ દૃષ્ટિએ તેમનું ચિંતન વૈચારિક અહિંસાની પ્રતિબદ્ધતાને સાચવે છે અને સંસ્કારે છે.
ધર્મ અંગે પણ એકાંગી વૃત્તિનો ત્યાગ કરી આચાર્યશ્રી આનંદશંકર જણાવે છે “ધર્મ એ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે તથા આવશ્યક છે... વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ છે તેનું ટૂંકુ નામ ધર્મ છે. ધર્મ એ માત્ર વિચાર રૂપ, જેને શાસ્ત્રીય પરિભાષામાં ‘તર્ક અથવા ‘પરોક્ષજ્ઞાન' કહે છે તે નથી, માત્ર ક્રિયારૂપ પણ નથી, એટલે કે કર્તવ્ય કરવામાં જ એની પરિસમાપ્તિ નથી, તેમજ માત્ર હૃદયના ભાવરૂપ એટલે ભક્તિ કે આનંદમાં જ એની પરિસમાપ્તિ થાય છે એમ પણ નથી. ધર્મમાં એ ત્રણેનો અદ્ભુત સંગ્રહ થાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org