________________
૯૫
સ્વાધ્યાય સુધા
વિપાકની તીવ્રતા-મંદતાનો નિર્ણય આત્માએ કરેલા રાગદ્વેષ રૂપ અધ્યવસાયની તીવ્રતામંદતા અનુસાર થાય છે. કર્મબંધ થતાંની સાથે જ કષાયની તીવ્રતા-મંદતા અનુસાર રસબંધનું નિર્માણ થઈ જાય છે.
૪. સ્થિતિબંધ : કર્મબંધની ચોથી અવસ્થા ગ્રહણ કરવામાં આવેલ કર્મ પુદ્ગલોની સ્થિતિ-કાળની છે. કયું કર્મ કેટલો સમય આત્મા સાથે રહેશે એનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. કષાયની તીવ્રતા-મંદતાની અનુસારે આત્મા સાથે બંધાયેલા કર્મની સ્થિતિ નિર્માણ થાય છે.
કર્મબંધની ચારેય અવસ્થાઓ કર્મબંધ થતાંની સાથે જ સ્વયં નિષ્પન્ન થાય છે.
કર્મબંધની આ ચાર અવસ્થાઓમાં પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગની હાજરીમાં થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગ(રસ) બંધ કષાયની હાજરીમાં થાય છે. યોગની શક્તિ જેવી તીવ્ર કે મંદ હશે તે પ્રમાણે પ્રકૃતિ અને પ્રદેશબંધ થશે. કષાયની તીવ્રતા કે મંદતાને અનુસાર કર્મની સ્થિતિ અને ફળ આપવાની શક્તિ એટલી જ તીવ્ર કે મંદ હશે.
કાર્પણ વર્ગણાનો જથ્થો પ્રદેશબંધ છે. કર્મનો સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ છે. કર્મફળની તીવ્રતા કે મંદતાનો નિર્ણય એ અનુભાગબંધ છે. તથા કાળ-મર્યાદા નક્કી થવી તે સ્થિતિબંધ છે.
આ ચાર અવસ્થાઓ સમજવા માટે એક દૃષ્ટાંત જોઈએ. એક વ્યક્તિએ વાયુનાશના પદાર્થોને નાખીને લાડુ બનાવ્યા. બીજી વ્યક્તિએ પિત્તનાશ પદાર્થોમાંથી લાડુ બનાવ્યા. ત્રીજી વ્યક્તિએ કફનાશક પદાર્થો નાખી લાડુ બનાવ્યા. તો આ દરેક લાડુ અનુક્રમે વાયુ, પિત્ત અને કફ નાશ કરવાનું કાર્ય કરશે. એવી જ રીતે આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કર્મ પુદ્ગલોમાંથી કોઈ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરશે, કોઈ દર્શન ગુણને આવરણમાં લઈ જશે, કોઈ આત્માના અનંત સામર્થ્યને કુંઠિત કરશે તો કોઈમાં અનંત સુખને આવરણમાં લઈ જવાનો સ્વભાવ છે. આને પ્રકૃતિબંધ કહે છે.
લાડુના વજન જુદા જુદા હોય છે. તેમ ગ્રહણ કરવામાં આવેલ કર્મપુદ્ગલોની સંખ્યા પણ જુદી જુદી હોય છે, કોઈમાં વધારે તો કોઈમાં ઓછી. આ જુદી જુદી કર્મ પરમાણુની સંખ્યાથી યુક્ત કર્મપુદ્ગલોનું આત્મા સાથે જોડાવું તે પ્રદેશબંધ છે.
જેમ જુદા જુદા પ્રકારના લાડવામાં સ્વભાવમાં રહેવાની શક્તિ-કાળમર્યાદા જુદી જુદી હોય છે, તેમ કર્મ કેટલો સમય રહેશે તેનો નિર્ણય સ્થિતિબંધથી થાય છે. સ્થિતિ પૂર્ણ થતાં તે પુદ્ગલો આત્માથી જુદા પડી જાય છે. બંધાયેલા કર્મો કેટલા સમય બાદ ઉદયમાં આવશે અને બંધ અને ઉદયની વચ્ચે કેટલો સમય પસાર થશે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org