SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯. દૃષ્ટિ થઈ અાત્મમાં | વિ. સં. ૧૯૨૪ની કાર્તકી પૂર્ણિમાના દિવસે વવાણિયામાં જન્મેલી દિવ્ય જ્યોતિ વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમીના દિવસે દેહદૃષ્ટિએ વિલય પામી, પરંતુ એ જ્યોતિએ પ્રગટાવેલો આત્મપ્રકાશ જગતની અનેક વ્યક્તિઓને ભૌતિકતાની ભીષણ દોડ વચ્ચે અને વિષમ કાળના વેગીલા પ્રવાહ વચ્ચે વિશ્રાંતિરૂપ બની રહ્યો છે. મુમુક્ષુના અંતરના અજવાળાંથી માંડીને સમગ્ર વિશ્વકલ્યાણ સુધી એનો પ્રકાશ રેલાયો છે. મહાત્મા ગાંધીજીની આધ્યાત્મિક તૃષા છિપાવનાર આ વિભૂતિ ન મળી હોત તો ગાંધીજીએ અન્યધર્મી બનીને જીવન ગાળ્યું હોત. એમ થયું હોત તો જગતને ગાંધીજીની અહિંસાનો પ્રભાવ જોવા ન મળ્યો હોત તેમજ યુદ્ધ, અશાંતિ, હિંસા અને વેર, લાલસાથી ઘેરાયેલા જગતને અહિંસાની અમોઘ શક્તિનો પરિચય સાંપડ્યો ન હોત. જગતને મહાત્મા ગાંધીજી પાસેથી પ્રેરણા પામીને શાંતિનું નવું સામર્થ્ય દાખવનારા માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) કે નેલ્સન મંડેલા મળ્યા ન હોત. આ તો થઈ બહારની દુનિયાની વાત, પણ વિભૂતિનો પ્રકાશ દુનિયાની એક જ બાજુને અજવાળતો નથી. એ મુમુક્ષુના હૃદયને પ્રેરે છે તો સાથે માનવીના જીવનને જીવવાનો અર્થ અને દૃષ્ટિકોણ આપે છે. વીતરાગ માર્ગ પર જામી ગયેલા રાગભર્યા વ્યવહારો અને આચારોને દૂર કરીને શ્રીમદે શુદ્ધ માર્ગનો પ્રકાશ આપ્યો. એમને કોઈ નવીન પંથ પ્રવર્તાવવો નહોતો. એમને તો વીતરાગપ્રણીત માર્ગને યથાર્થ રીતે દર્શાવવો હતો. એ માર્ગમાં પરસ્પરનાં શાસ્ત્રોનું સાદર વાંચન થાય, જુદા જુદા ફીરકાઓ વચ્ચે એકતા સધાય અને અન્યની સમૃદ્ધિ દ્વારા સ્વયંની અપૂર્ણતા દૂર થાય એવો શ્રીમનો આશય હતો. ' એમનામાં નાની વયથી જ માર્ગનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા પ્રવર્તતી હતી અને તેથી જ મૂળ માર્ગ પર લક્ષ કરીને અને પરમ શ્રુતની આરાધના કરીને શ્રીમદે અવનિને એ અમૃત ફરી પાછું ધર્યું. જૈન ધર્મના સિદ્ધાંતોના નિચોડ સમા ગ્રંથો રચ્યા. એમનામાં કવિતા અને તત્ત્વજ્ઞાન એવા લય અને તાલ સાથે પ્રગટ થયા કે અગણિત મુમુક્ષુઓના અંતરમાં એનું અવિરત ગુંજન અદ્યાપિ ચાલ્યા કરે છે. શ્રીમદ્દનું જીવન સ્વયં એક સંદેશ બની ગયું. બાહ્ય ઉપાધિ અને પ્રબળ વ્યાધિ વચ્ચે જીવતા માનવીને માટે એ જીવન સમતાનો શીળો છાંયડો બની ગયું. એમણે ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મકલ્યાણના ઊર્ધ્વ શિખરનો સાધનાપંથ બતાવ્યો. એમનાં વચનોમાં હૃદયપરિવર્તનની શાંત તાકાત હતી. એમના આત્મલક્ષી ચિંતનમાં બાહ્ય જગતમાં ભમતા માનવીને ભીતરમાં ખોજ કરવાનું આહ્વાન હતું. | ‘મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી,’ એમ કહેનાર શ્રીમનાં વચનો ભેદષ્ટિ કે મતાગ્રહ છોડીને આત્મકલ્યાણનો માર્ગ પામવાનો પડકાર કરે છે. શુષ્ક જ્ઞાન કે જડ ક્રિયાનો નિષેધ કરવાની સાથોસાથ સમર્પણશીલ ભાવયુક્ત ભક્તિને સર્વોત્કૃષ્ટ માર્ગ તરીકે દર્શાવે છે. “બીજું કશું શોધ મા. માત્ર એક સત્પરુષને શોધ” કહેનારા શ્રીમદે સદ્ગુરુનું માહાલ્ય બતાવ્યું. આત્મજ્ઞાન વિનાના ગુરુ તે સદ્દગુરુ નહિ એમ ભારપૂર્વક કહ્યું. શ્રીમના આવા ક્રાંતિકારી વિચારો અંગે એ સમયે વખતોવખત એમનો વિરોધ થયો હતો એ એમણે નિઃસ્પૃહભાવે સહ્યો હતો. શ્રીમદ્દનું વ્યક્તિત્વ જ વૈરાગ્ય-પ્રેરક હતું અને એમની શક્તિઓ અસાધારણ હતી. તેઓ એકાંતમાં રહી સ્વાધ્યાય, મનન અને ધ્યાનમાં સમય પસાર કરતા અને લોકસમૂહથી દૂર જંગલોમાં અને પહાડોમાં, નિર્જન સ્થળમાં કે વૃક્ષની નીચે ધ્યાન ધરતા હતા. જીવનમાં સંયમ, આહારમાં સાદાઈ અને સર્વ રીતે નિ:સ્પૃહી રહેવાની એમની વૃત્તિ એમના સત્સંગમાં આવનારને સ્પર્શી જતાં. Jain Education International For Personal & Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy